<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

દિલ્હીની હવા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે; વધતા પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ

દિલ્‍હી અને તેની આસપાસ રહેતા લગભગ ત્રણ કરોડ લોકો એક સપ્‍તાહ કરતા વધુ સમયથી રેકોર્ડ સ્‍તરના ધુમ્‍મસ સાથે ઝઝુમી રહ્યા છે

નવી દિલ્‍હીઃ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડની વેબસાઇટે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યે દિલ્હીના બવાના અને મોતીબાગમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એઆઈક્યૂ) 409 પર પહોંચી ગયો હતો. જ્યારે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એઆઈક્યૂ 300 થી 400 ની વચ્ચે રહ્યો.

જ્યારે એઆઈક્યૂ 400થી ઉપર જાય છે, ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.

પ્રદૂષણના કારણે દિલ્હીમાં જાહેર આરોગ્ય કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.

હૉસ્પિટલમાં હજારો દર્દીઓ શ્વાસ સંબંધી રોગોના ઇલાજ માટે આવી રહ્યા છે. આ બધું વિશ્વની સૌથી પ્રદૂષિત આબોહવા ધરાવતા વિસ્તારો પૈકી એકમાં શ્વાસ લેવાને કારણે થઈ રહ્યું છે.

અહીં રહેતા કરોડો લોકો માટે દિલ્હીને 'ગૅસ ચેમ્બર' તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિ ઉત્તર ભારતનાં આ એકમાત્ર શહેરની જ નથી.

વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરો - ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ભિવાડી અને નોઈડા - દિલ્હીના 80 કિલોમીટરના ઘેરાવમાં છે. હવાની ગુણવત્તાના સંદર્ભમાં, આ 80 કિલોમીટરના ઘેરાવની હવા સૌથી ખરાબ છે.

પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસે 2018માં ભારતીય શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ મુજબ, તે સમયે, વિશ્વનાં 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 22 ભારતનાં હતાં.

ઇમેજ કૅપ્શન, એઆઈક્યૂ 400થી ઉપર જાય છે, ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.

આ અભ્યાસ અનુસાર, આ શહેરોની હવામાં જોખમી કણોનું સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા – વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઇઝેશન(ડબલ્યુએચઓ)ના સલામત માપદંડોથી ઘણું વધારે હતું.

હવામાં ઓગળેલા આ સૂક્ષ્મ ઝેરી કણોને પાર્ટિક્યુલેટ મેટર 2.5 (પી.એમ 2.5) કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ કણો ધુમાડામાં સામેલ કાર્બન કણો અથવા ધૂળના કણો અથવા આ બંનેનું મિશ્રણ હોઈ શકે છે.

ડબલ્યુએચઓના અંદાજ મુજબ, સમગ્ર વિશ્વમાં લગભગ 70 લાખ લોકો દિલ્હીમાં છે તેવી ધુમ્મસ જેવી સ્થિતિને કારણે અકાળે મૃત્યુ પામે છે. આવી પરિસ્થિતિઓને કારણે સ્ટ્રોક, હાર્ટ ઍટેક, ડાયાબિટીસ, ફેફસાંના કેન્સર અથવા ફેફસાંના રોગનું જોખમ વધી જાય છે.

દિલ્હી અને તેની આસપાસ રહેતા લગભગ ત્રણ કરોડ લોકો એક સપ્તાહ કરતાં વધુ સમયથી રેકૉર્ડ સ્તરના ધુમ્મસ સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ તે માત્ર આ વિસ્તારની સમસ્યા નથી.

દેશનો ઉત્તરીય ભાગ, ખાસ કરીને ગંગાનાં મેદાનો પ્રદૂષણથી ભારે પ્રભાવિત છે. નેપાળ અને બાંગ્લાદેશ જેવા ભારતના પડોશી દેશ પણ જોખમમાં છે કારણ કે પશ્ચિમી પવનો અહીંથી હિમાલય સુધી ધૂળ અને ધુમાડો લઈ જાય છે.

(3:17 PM IST)