News of Monday, 11th November 2024
હેલ્થ - લાઇફ ઇન્સ્યુરન્સ પરનો દર ઘટાડવા નિર્ણય લેવાશે : વર્તમાન દરોને તર્કસંગત બનાવાશે
GST કાઉન્સીલની ડીસેમ્બરમાં રાજસ્થાનમાં યોજાશે બેઠક

નવી દિલ્હી, તા.૧૧: GST કાઉન્સિલની ૫૫મી બેઠક આવતા મહિને રાજસ્થાનમાં યોજાવા જઈ રહી છે. દરેકની નજર આના પર ટકેલી છે. જો સામાન્ય માણસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ (હપ્તા)માં રાહત મળી શકે છે. બંને વીમાના પ્રીમિયમ પર ૧૮ ટકા GST દર ઘટાડવા અંગે નિર્ણય લેવાનો છે. આ ઉપરાંત હાલના GST દરોને તર્કસંગત બનાવવા અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.
આ બાબત સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ બેઠકમાં મુખ્યત્વે સ્વાસ્થ્ય અને જીવન વીમા જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે. મંત્રીઓના જૂથે બંને વીમા પર GST દર ઘટાડવા અંગે પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગ્રૂપે રૂ.૫ લાખ સુધીના વીમા પરના જીએસટી દરો હટાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે રૂ.૫ લાખથી વધુના વીમા પરના જીએસટી દરને વર્તમાન સ્તરથી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, પરંતુ GST કાઉન્સિલ તેને ઘટાડીને ૧૨ ટકા અથવા તેનાથી ઓછો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.
ઘણા રાજ્યો એ વાતની તરફેણમાં છે કે સામાન્ય નાગરિકને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને જીવન વીમો મળે, જેના પર સરકારે લોકો પાસેથી ટેક્સ વસૂલવો જોઈએ નહીં. પરંતુ કેટલાક રાજ્યોની દલીલ છે કે GST ને સંપૂર્ણ રીતે હટાવવાથી રાજ્યોને આવકની દ્રષ્ટિએ નુકસાન થશે. ૫ લાખ સુધીના વીમા પર GST હટાવવાથી આશરે ૨૧૦૦ કરોડ રૂપિયાની આવકને અસર થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ૫ લાખ રૂપિયાથી વધુના વીમા પર જીએસટી દર ઘટાડવા માટે મધ્યમ માર્ગ શોધી શકાય છે.
આરોગ્ય અને જીવન વીમા દ્વારા જીએસટીના રૂપમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરીમાં જંગી નાણા જતા હોવાથી સરકારને મોટી કમાણી થાય છે. ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ આશરે રૂ. ૯૦,૦૩૨ કરોડ હતું, જેમાં વ્યક્તિગત આરોગ્ય વીમા પ્રીમિયમનું યોગદાન રૂ. ૩૫,૩૦૦ કરોડ હતું. હવે જો વર્તમાન ૧૮ ટકા જીએસટી દરને તેમાં ઉમેરવામાં આવે તો વ્યક્તિગત પ્રીમિયમમાંથી રૂ. ૬,૩૫૪ કરોડનો ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. તેથી, અંતિમ નિર્ણય લેતા પહેલા તમામ પરિસ્થિતિઓનો અભ્યાસ કરવામાં આવશે.
હાલમાં દેશમાં જીએસટીના ચાર સામાન્ય કર દર અથવા સ્લેબ છે, જેમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે. ગયા મહિને, બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં નવા રચાયેલા પ્રધાનોના જૂથની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે GST દરને તર્કસંગત બનાવવા અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા વધારાની ચર્ચા કરવામાં આવશે. જૂથને સંખ્યાબંધ સૂચનો મળ્યા છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમામ પક્ષોના સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
