<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ભારતના ડેટા સિક્યોરિટી નિયમનો મસ્કે સ્વીકાર કર્યો

લાયસન્સ પ્રોસેસ ઝડપી કરવામાં ટ્રમ્પનો હાથ!:ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક દ્વારા ભારતના નિયમોને માની લેતા હવે તેને ઝડપથી લાયસન્સ મળી જશે એવું લાગી રહ્યું છે

વોશિંગ્ટન, તા.૧૧

ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક દ્વારા ભારતના નિયમોને માની લેતા હવે તેને ઝડપથી લાયસન્સ મળી જશે એવું લાગી રહ્યું છે. ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની 'સ્ટારલિંક' હવે ભારતમાં પગપેસારો કરી રહી છે. આ માટે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, મુકેશ અંબાણી આ માટે લોબી ચલાવી રહ્યાં હતાં જેથી કરીને ઇલોન મસ્કની કંપની ભારતમાં ન આવી શકે. હવે, તે ધારવા કરતાં વહેલી ભારતમાં આવશે એવા એંધાણ છે.

સ્ટારલિંક સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ પૂરુ પાડવાની છે. આ માટે તેને ભારતમાં તેની સર્વિસ શરૃ કરવા માટે લાયસન્સ લેવું પડે છે. આ કંપનીએ ૨૦૨૨ની ઓક્ટોબરમાં ગ્લોબલ મોબાઇલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ સર્વિસ હેઠળ લાયસન્સ માટે એપ્લાઇ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. એમાની એક શરત ઇલોન મસ્ક ન માને એવું લાગી રહ્યું હતું, પરંતુ હવે તેણે એ સ્વિકારી લીધી છે અને બહુ જલ્દી લાયસન્સ મળી શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટારલિંક સામે કેટલીક શરતો મૂકી હતી. આ શરતોમાં એક શરત ડેટા લોકેલાઇઝેશનની હતી. આ શરત મુજબ ઇલોન મસ્કની કંપનીએ ભારતના તમામ ડેટાને દેશમાં સ્ટોર કરવા પડશે. તેમ જ સિક્યોરિટીની વાત જ્યારે હોય ત્યારે એ ડેટાનો એક્સેસ પણ આપવો પડશે. સ્ટારલિંક કંપનીએ દેશની સિક્યોરિટીની વાતને ધ્યાનમાં રાખીને એ વાતને માની લીધી છે. જોકે આ માટે ઓફિશિયલ એગ્રીમેન્ટ કરવાનું બાકી છે, પરંતુ તેમણે તૈયારી દેખાડી છે.

આ નિયમને માની લેતા લાયસન્સની પ્રોસેસ હવે સ્પીડમાં ચાલશે એવું લાગી રહ્યું છે. આ માટે સ્ટારલિંક હવે ઇન્ડિયન સ્પેસ રેગ્યુલેટર સાથે પણ વાતચીત કરી રહી છે. તેમની પાસેથી પણ જરૃરી પરવાનગી લેવાની હોય છે આથી હવે એની પણ પ્રોસેસ શરૃ કરી દીધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટેની કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતી ગયા હોવાથી આ લાયસન્સની પ્રોસેસ સ્પીડમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે ઇલેક્શનમાં જોઈ શકાયું હતું કે ટ્રમ્પ અને મસ્ક એકમેકના કેટલાં નિકટ છે.

ઇલોન મસ્કની કંપની જિયો અને તેના જેવી અન્ય કંપનીઓને ટક્કર આપશે એથી આ પ્રોસેસને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મુકેશ અંબાણી, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાનું કહેવું હતું કે સ્પેક્ટ્રમને હરાજીમાં વેંચવામાં આવે જેથી કોમ્પિટિશનમાં દરેકને ચાન્સ મળે. જોકે ઇલોન મસ્કે કહ્યું હતું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટે ઇન્ટરનેશનલ નિયમ અનુસાર જ એની વહેંચણી કરવી જોઈએ. સ્ટારલિંક માર્કેટમાં આવવાથી કોમ્પિટિશનમાં વધારો થશે. હાલમાં જ દરેક કંપની દ્વારા ડેટા પ્લાનના ભાવ વધારી દેવામાં આવ્યાં છે. જોકે સ્ટારલિંકના ભારતમાં આવવાથી ગ્રાહકોને ફરી સસ્તી સેવા મળી શકે છે.

(8:00 PM IST)