<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

દિલ્હીમાં બીડી માગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા

દિલ્હીમાં એક ચોંકવનારી હત્યાનો બનાવ સામે આવ્યોઃબંન્ને વચ્ચે બોલાચાલી થઈ જે ઉગ્ર બનતા બીડી માગનાર યુવકની પથ્થરોના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી

નવી દિલ્હી, તા.૧૧

સામાન્ય રીતે નશાના આદી રહેતા લોકો એકબીજા પાસેથી બીડી કે તમાકુ માગી લેતા હોય છે. જોકે, બીડી માંગવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બને તેવું તમે ક્યારેય સાંભળ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે દિલ્હીમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવકે બીડી શું માગી લીધી તેની પથ્થરોના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ૭ નવેમ્બરે દિલ્હીના વિવેક વિહારમાંથી એક ફોન આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું કે શમશાન ઘાટ જ્વાલા નગર પાસે એક વ્યક્તિ બેભાન હાલતમાં છે. તપાસ કરતા ખબર પડી કે તેનું મોત થઈ ગયું છે. યુવકની પોલીસે ઓળખ કરી તો સામે આવ્યું કે ૨૦ વર્ષીય યુવક દિલ્હીના કસ્તૂરબા નગરમાં હતો અને તેનું નામ સની હતું.

આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી જેમાં એક રાજેશ નામના વ્યક્તિ પર શંકા જતા પોલીસે તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે સનીએ રાજેશ પાસેથી બીડી માગી હતી. જેમાં રાજેશે તેને ના પાડી તો બંને વચ્ચે બોલાચાલી થઈ જે ઉગ્ર બની ગઈ અને બંને મારામારી પર આવી ગયા હતા. આવેશમાં આવીને રાજેશે પથ્થર ઉઠાવ્યો અને સનીના માથે મારી દીધો જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પોલીસ હજુ પૂછપરછ કરી રહી છે. જેમાં તેની પૂછપરછમાં અમુક ચોંકાવનારા તથ્યો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે દિલ્હીમાં વધતી જતી ગુનાખોરી હવે અહીંયા સામાન્ય જનતા માટે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

(8:05 PM IST)