News of Monday, 11th November 2024
જેમનો પક્ષ ખતરામાં છે તે ધર્મને ઢાળ બનાવીને આગળ કરે છે : રિતેશ
રિતેશ દેશમુખે કર્યો કોંગ્રેસનો પ્રચારઃઅમે અમારો ધર્મ સંભાળીશું, તમે પહેલા વિકાસની વાત કરો : રિતેશે ધીરજ દેશમુખ માટે લાતુરમાં પ્રચાર કર્યો

મુંબઈ, તા.૧૧
બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતા જોવા મળ્યો હતો. આ પ્રચાર અભિનેતાએ તેના ભાઈ અને કોંગ્રેસ નેતા ધીરજ દેશમુખ માટે લાતુરમાં કર્યો હતો. કોંગ્રેસ માટે પ્રચાર કરતા રિતેશે કહ્યું કે લોકો દાવો કરી રહ્યા છે કે તેમનો ધર્મ જોખમમાં છે, પરંતુ વાસ્તવમાં તેમની પાર્ટી જોખમમાં છે અને તેઓ તેમની પાર્ટીને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.'
લાતુર મતવિસ્તારમાં ધીરજનો મુકાબલો ભાજપના રમેશ કરાડ સાથે થવાનો છે. રવિવારે રાત્રે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ કે, ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે કર્મ એ જ ધર્મ છે. જે વ્યક્તિ ઈમાનદારીથી કામ કરે છે તે પોતાના ધર્મનું પાલન કરે છે. જે ઈમાનદારીથી કામ નથી કરતો તેને ધર્મના આવરણની જરૃર છે. જે લોકો કહે છે કે તેમનો ધર્મ જોખમમાં છે, વાસ્તવમાં તેમનો પક્ષ જોખમમાં છે અને તેઓ પોતાની પાર્ટી અને પોતાને બચાવવા માટે તેમના ધર્મને આગળ કરી રહ્યા છે. તેમને કહો કે અમે અમારો ધર્મ સંભાળીશું, તમે પહેલા વિકાસની વાત કરો.'
રેલીને સંબોધિત કરતી વખતે અભિનેતાએ મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. આ બાબતે રિતેશે કહ્યું હતું કે રાજ્યના શિક્ષિત યુવાનો બેરોજગાર છે. તેમને રોજગાર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ સાથે જ અભિનેતાએ ખેડૂતોને તેમના ઉત્પાદનોના સારા ભાવ નથી મળી રહ્યા એ બાબતે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.
ધીરજ દેશમુખ ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૧.૨૧ લાખ મતોના માર્જિનથી જીત્યા હોવાનો ઉલ્લેખ કરતા, રિતેશે લોકોને એટલા મોટા પાયે મતદાન કરવાની અપીલ કરી કે વિરોધી ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ જાય.
રિતેશે યુવાનોને તેમના મતનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ સાથે જ અભિનેતાએ મહારાષ્ટ્રની ઓળખ અને દરેક નાગરિકની ગરિમા અને અધિકારોનું રક્ષણ કરવાની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
