<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

બટેંગે તો કટેંગે, આ વાક્ય એક આતંકવાદી જ બોલી શકે

કોંગ્રેસના અધ્યક્ષે યોગીની તુલના આતંકીઓ સાથે કરીઃઆસામના મુખ્યમંત્રી અહીં આવ્યા હતા ઃ તેમણે અમારા કાર્યકર્તાઓને ધમકાવ્યા-ડરાવ્યા, પણ અમે ડરવાના નથી:કોંગ્રેસ

રાંચી, તા.૧૧

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તુલના આતંકવાદીઓ સાથે કરી દેતા એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. તેઓ પલામૂમાં એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા. ખડગેએ કહ્યું કે, "આ લોકો કહે છે કે 'બટેંગે તો કટેંગે', શું આ સાધુનું કામ છે? અરે આ તો કોઈ આતંકવાદી બોલી શકે છે, તમે ન બોલી શકો." તેમણે આગળ કહ્યું કે, "ભાજપના મુખ્યમંત્રી ભાગલા પાડવા અને કાપવાની વાતો કરે છે, જ્યારે તેઓ એક મઠના વ્યવસ્થાપક છે. શું કોઈ સંતને આવી વાતો કરવી શોભે?" ખડગેએ કહ્યું કે, "મઠના પ્રમુખ યોગી ભગવા વસ્ત્રો પહેરે છે, પણ તેઓ 'મુંહમાં રામ બગલમાં છુરી'માં વિશ્વાસ કરે છે." કોંગ્રેસ નેતાએ આસામના સીએમ હિમંત બિસ્વા સરમા પર પણ ટાર્ગેટ કર્યો અને કહ્યું કે, "આસામના મુખ્યમંત્રી અહીં આવ્યા હતા. તેમણે અમારા કાર્યકર્તાઓને ધમકાવ્યા-ડરાવ્યા, પણ અમે ડરવાના નથી." ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી-યોગીનો ઉદ્દેશ્ય દેશની એકતાને ખતમ કરવાનો છે અને પોતાની સત્તા બનાવી રાખવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, "આ નારાનો ઉદ્દેશ્ય દેશમાં લોકોના ભાગલા પડે, જેથી તેઓ પોતાનો રાજકીય સ્વાર્થ સાધી શકે." ખડગેએ આ પ્રકારની નિવેદનબાજીને દાદાગીરીનું પ્રતીક ગણાવ્યું.

(10:14 PM IST)