News of Monday, 11th November 2024
એર ઈંડિયામાં હવે નહીં મળે મુસ્લિમ ભોજન ફ્લાઈટમાં ભોજનના નામ બદલાયા

નવી દિલ્હી, તા.૧૧
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પિરસાતા મુસ્લિમ ભોજનનું નામ બદલીને હવે 'સ્પેશિયલ મીલ' કરી દીધું છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં મેનુમાં હિન્દુ ભોજન, જૈન ભોજન, કોશેર ભોજન અને વીગન મીલ વગેરે સામેલ છે. મેનુને અલગ અલગ ધર્મોના લોકોની પસંદ અને ધાર્મિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. એર ઈન્ડિયા દ્વારા પોતાના મેનુમાં ભોજનના નામને ધર્મો સાથે જોડતા વિવાદ પણ થઈ ચૂક્યો છે. ભોજનનું નામ આહાર સંબંધી પસંદગીની જગ્યાએ ધર્મના આધાર પર રાખવા પર આ વર્ષે જૂનમાં કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે સવાલો ઉઠાવ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. એર ઈન્ડિયાનું 'મુસ્લિમ ભોજન', મુસ્લિમ સમુદાયના યાત્રીઓ માટે, પ્રમાણિત હલાલ રસોઈમાં મુસ્લિમ આહાર સંબંધિત જરૃરિયાતો અનુસાર, ભારતીય વ્યંજન શૈલીમાં તૈયાર કરવામાં આવે છે. હવે એર ઈન્ડિયામાં 'મુસ્લિમ ભોજન', 'સ્પેશિયલ મીલ' કહેવાશે. તેનો મતલબ હલાલ સર્ટિફાઈડ ભોજન હશે. MOML 'મુસ્લિમ ભોજન' સ્ટીકર સાથે લેબલ કરવામાં આવેલા પ્રી-બુક ભોજનને 'સ્પેશિયલ મીલ' માનવામાં આવશે.
ફ્લાઈટમાં એર ઈન્ડિયા યાત્રીઓને ડાયાબિટીક મીલ, ગ્લૂટેન ફ્રી મીલ, ફ્રૂટ પ્લેટર મીલ, નોન વેજિટેરિયન મીલ, એશિયન વેજિટેરિયન મીલ, વીગન મીલ, જૈન મીલ, કોશેર મીલ, હિન્દુ મીલ અને બેબી મીલ જેવા વિકલ્પો આપવામાં આવે છે. યાત્રી પોતાની પસંદ અનુસાર, ભોજનની પસંદગી કરી શકશે. એર ઈન્ડિયા યાત્રીઓની ધાર્મિક પ્રથાઓ અનુસાર, ભોજન તૈયાર કરે છે. એર ઈન્ડિયા ફ્લાઈટમાં યાત્રીઓને માંસાહારી ભોજન જરૃર મળશે, પણ તેઓ ગૌમાંસ અથવા પોર્કનો ઉપયોગ કરશે નહીં. એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગૌમાંસ અથવા પોર્ક અથવા તેમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કોઈ પણ વ્યંજન બનાવવામાં કરશે નહીં.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
