News of Tuesday, 12th November 2024
કરોડોના દંડમાંથી અંબાણીને રાહતઃ સેબીની અપીલ ફગાવી દીધી
જસ્ટીસ પારડીવાળા, આર આર મહાદેવનની બેન્ચે કહ્યું કે આ રીતે તમે વર્ષો સુધી કોઈ વ્યક્તિનો પીછો કરી શકતા નથી

મુંબઈ : સર્વોચ્ચ અદાલતે શ્રી મુકેશ અંબાણીને લગતા એક કેસમાં સિકયોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી)ના આદેશ સામે સેબીની અરજીને ફગાવી દીધી હતી. આ કેસ શેરમાં કથિત હેરાફેરીના કારણે ૨૫ કરોડ રૂપિયાના દંડ સાથે સંબંધિત છે.હકીકતમાં નવેમ્બર ૨૦૦૭માં ભારતીય સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ તત્કાલિન રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના શેરમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં અંબાણી અને અન્ય બે પક્ષકારો પર દંડ લાદ્યો હતો, જેને સિકયોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે ફગાવી દેવામાં આવ્યો હતો. સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું, આ અપીલમાં અમારા હસ્તક્ષેપનો કોઈ કાનૂની પ્રશ્ન નથી. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે. બેન્ચે વધુમાં કહ્યું કે, તમે આ રીતે વર્ષો સુધી કોઈ વ્યક્તિનો પીછો કરી શકતા નથી. સેબીએ ૪ ડિસેમ્બર, ૨૦૨૩ના સિકયોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી)ના આદેશ સામે કોર્ટમાં અરજી કરી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર રૂ. ૨૫ કરોડ, અંબાણી પર રૂ. ૧૫ કરોડ, નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. ૨૦ કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડ પર રૂ. ૧૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ઘણા સમયથી ઘટી રહ્યા છે. સોમવારે તેના શેરમાં પણ ઘટાડો થયો હતો. ગ્લ્ચ્ પર તે ૦.૮૫%ના ઘટાડા સાથે રૂ. ૧૨૭૩.૦૫ પર બંધ થયો હતો.
આ સાથે કંપનીનું માર્કેટ કેપ ઘટીને ૧૭,૨૨,૭૩૮.૭૩ કરોડ રૂપિયા પર આવી ગયું છે. રિલાયન્સના શેર જુલાઈથી ઘટી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ તેમાં ૭%નો ઘટાડો થયો છે. આ સાથે બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૫્રુ ઘટીને રૂ. ૧૬,૫૬૩ કરોડ થયો છે. રૂ. ૧,૬૧૦ના સ્તરની નજીક ટોચ પર પહોંચ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
