News of Tuesday, 12th November 2024
મણિપુર : જીરીબામ એન્કાઉન્ટર પછી બેના મૃતદેહ મળી આવ્યા : છ ગુમ : સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ : હિંસા - આગજની - પથ્થરમારો : સ્થિતિ વણસી

જીરીબામ : મણિપુરના જીરીબામમાં એન્કાઉન્ટરના એક દિવસ બાદ બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. છ લોકો ગુમ છે. પોલીસ મહાનિરીક્ષક આઈકે મુવાહે કહ્યું કે સુરક્ષા દળો ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે.
એક દિવસ પહેલા, મણિપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી જ્યારે જીરીબામમાં એન્કાઉન્ટર દરમિયાન 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. બીજા જ દિવસે જીરીબામમાં જ બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. છ લોકો ગુમ હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળો ગુમ થયેલા લોકોની શોધ માટે અભિયાન ચલાવી રહ્યા છે. ગુમ થયેલાઓમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ છે. આઈજીપી (ઓપરેશન્સ) આઈકે મુઈવાહે જણાવ્યું હતું કે બે મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે તેમની ઓળખ લૈશરામ બાલેન અને મૈબામ કેશો તરીકે થઈ છે. જાકુરાધોર કરોંગ વિસ્તારમાં કાટમાળમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. સોમવારે આતંકવાદીઓએ આ વિસ્તારમાં કેટલીક દુકાનોને આગ લગાવી દીધી હતી. જીરીબામ જિલ્લા વહીવટીતંત્રે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રતિબંધિત આદેશો લાદી દીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર માણસોએ જીરીબામ જિલ્લામાં પોલીસ સ્ટેશન અને નજીકના સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાન ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મંગળવારે સવારે જીરીબામમાં સ્થિતિ શાંત પરંતુ તંગ રહી હતી. પોલીસકર્મીઓ સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે.
મણિપુરમાં ગોળીબાર બાદ ઈમ્ફાલ ખીણમાં ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો પણ મળી રહ્યા છે. સશસ્ત્ર જૂથો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આતંકવાદીઓને ખદેડવા માટે સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. અશાંત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ અને CRPFની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સશસ્ત્ર વંશીય સંઘર્ષ ચાલી રહ્યો છે. હિંસાને કારણે ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
