<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

GSTમાં એક સાથે છેલ્લા ત્રણ વર્ષની આપેલી નોટિસ માન્‍ય નહીં ગણાય

કર્ણાટક હાઇકોર્ટમાં પિટિશનમાં વેપારીની તરફેણમાં ચુકાદો : દેશમાં એક સાથે ત્રણ વર્ષની નોટિસ આપવા મુદે વિવાદ પણ સર્જાયો હતો

નવી દિલ્‍હી, તા.૧૩: જીએસટી એસેસમેન્‍ટની કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા એક સાથે પાછલા ત્રણ વર્ષની વેપારીઓને નોટિસ આપી દેવામાં આવી હતી. નિયમ પ્રમાણે એક સાથે છેલ્લા ત્રણ વર્ષની નોટિસ આપી શકાય નહીં તેમ છતાં અધિકારીઓ દ્વારા મનમાની રીતે કરવામાં આવેલી કાર્યવાહી સામે કર્ણાટક હાઇકોર્ટમાં વેપારીને રીટ પીટીશન કરી હતી. તેમાં એક સાથે આપવામાં આવેલી નોટિસ રદ કરવાનો આદેશ કર્ણાટક હાઇકોર્ટે કર્યો છે.

ગુજરાતના જીએસટી અધિકારીઓએ પણ આજ પ્રમાણે એક સાથે વેપારીઓને છેલ્લા ત્રણ વર્ષની નોટિસ ફટકારી હતી. હજારોની સંખ્‍યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટિસ મુદે વિવાદ પણ સર્જાયો હતો. કારણ કે એસેમેન્‍ટના વર્ષ પ્રમાણે તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. તે સમયગાળામાં જ નોટિસ આપી દેવાની હોય છે. પરંતુ અધિકારીઓની આળસને કારણે સમયમર્યાદા પૂર્ણ થવાના એકાદ બે દિવસ બાકી હતા ત્‍યારે એક સાથે પાછલા ત્રણ વર્ષની નોટિસ ફટકારી હતી. આ મુદે ચીમની હિલ્‍સ એજ્‍યુકેશન સોસાયટી દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. તેમાં કર્ણાટક હાઇકોર્ટે એક સાથે આપવામાં આવેલી નોટિસ રદ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ કરતાની સાથે જ હજ્‍જારોની સંખ્‍યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટિસ રદ થતા હાશકારો થયો છે.

તેમાં પણ ખાસ કરીને સુરતના વેપારીઓને ગુજરાત જીએસટીના અધિકારીઓની સાથે સાથે મુંબઇના જીએસટી અધિકારીઓએ પણ નોટિસ ફટકારી હતી. હવે કર્ણાટક હાઇકોર્ટે નોટિસ રદ કરવાનો આદેશ કરતા વેપારીઓએ નોટિસના જવાબ આપવામાંથી રાહત થવાની છે. જોકે અધિકારીઓએ સમયમર્યાદામાં કામગીરી પુરી કરી નહીં હોવાના લીધે જ આ સમસ્‍યા ઉભી થઇ હોવાની જે તે સમયે વ્‍યાપક ફરીયાદ ઉઠી હતી. જોકે કર્ણાટક હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ અધિકારીઓએ દાખવેલી આળસ બદલે કેવી શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવુ રહ્યું.

(10:53 AM IST)