<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

૧૦ બાળકોના પિતાએ પોતાનાથી ૨૦ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા : કોર્ટે ફટકાર્યો ૧ લાખનો દંડ

એક મુસ્‍લિમ પ્રેમી યુગલે પોતાની સુરક્ષાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી : અરજી દાખલ કરનાર વ્‍યક્‍તિ ૧૦ બાળકોનો પિતા છે : તેણે તેના કરતા ૨૦ વર્ષ નાની છોકરી સાથે બીજા લગ્ન કર્યા હતા : હાઈકોર્ટમાં રક્ષણ માંગ્‍યું અને ન્‍યાયાધીશે દંડ ફટકાર્યો

નૂહ, તા.૧૩: હરિયાણાના નૂહ જિલ્લાના એક પરિણીત યુગલને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી રક્ષણ મેળવવું મોંઘુ સાબિત થયું. હકીકતમાં, ૧૦ બાળકોના પિતાએ તેના કરતા  ૨૦ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સુરક્ષાની માંગ સાથે હાઈકોર્ટ પહોંચ્‍યા હતા. પરંતુ હાઈકોર્ટે તેને સુરક્ષા આપવાને બદલે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ પીજીઆઈના ગરીબ ફંડમાં ચૂકવવાના આદેશો જારી કરવામાં આવ્‍યા હતા. હાઈકોર્ટે કહ્યું કે દંપતીએ જાણીજોઈને ઘણા તથ્‍યો છુપાવીને રક્ષણ માંગ્‍યું. આ કપલને કોણે ધમકી આપી તે પણ સ્‍પષ્ટ નથી.

તમને જણાવી દઈએ કે નૂહમાં રહેતા એક મુસ્‍લિમ પ્રેમી યુગલે તેમના પરિવારના સભ્‍યો તરફથી તેમના જીવને ખતરો હોવાનું જણાવીને કોર્ટમાં સુરક્ષાની માંગ કરી હતી. અરજદારના વકીલે કહ્યું કે વરરાજા પાસે ૪૦ એકર જમીન છે. તે મિકેનિક છે અને ૫૫ હજાર રૂપિયા કમાય છે. એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે તે પહેલેથી જ પરિણીત છે અને તેના ૧૦ બાળકો છે. હવે તેણે તેના કરતા ૨૦ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા છે.

પિટિશનમાં આધાર કાર્ડ જોડવાનું હોય છે, પરંતુ પિટિશનમાં યુવતીનું આધારકાર્ડ એવી રીતે જોડવામાં આવ્‍યું હતું કે યુવતીની ઓળખ થઈ શકે નહીં. આધાર કાર્ડની જે નકલ જોડવામાં આવી હતી તે ખૂબ જ કાળી હતી, જેમાં યુવતીનો ફોટો સંપૂર્ણપણે કાળો દેખાતો હતો. કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર મૂકવામાં આવેલા આધાર કાર્ડની તપાસ દર્શાવે છે કે તે સંપૂર્ણપણે અસ્‍પષ્ટ છે અને મહિલા અરજદારની ઓળખ છુપાવવા માટે ઇરાદાપૂર્વકનું કળત્‍ય હોવાનું જણાય છે.

આ અંગે આશ્‍ચર્ય વ્‍યક્‍ત કરતાં હાઈકોર્ટે કહ્યું કે આ અરજીમાં અનેક તથ્‍યો છુપાવીને હાઈકોર્ટ પાસેથી રાહત મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે, જે યોગ્‍ય નથી. આથી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને અરજદારને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે હાઈકોર્ટે મેવાત પોલીસને યુવતીની સુરક્ષા પર ધ્‍યાન આપવા જણાવ્‍યું છે.(૨૩.૧૮)

 

(12:02 PM IST)