<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

GST ટૂ-બીની વિગતો ભૂલભરેલી પોર્ટલ પર દેખાતા વેપારીઓમાં ભારે અસમંજસ

જે બિલની ક્રેડિટ વેપારીએ લઇ લીધી હોય તે પણ ટૂ-બીમાં રજૂ કરવામાં આવી : વેપારીએ અગાઉ લીધેલી ક્રેડિટ ફરીથી લે તો નોટિસ મળવાની પણ શકયતા

મુંબઇ, તા.૧૫: દર મહિનાની ર૦ તારીખ સુધીમાં જીએસટીનું ૩બી રિટર્ન  ફાઇલ કરી દેવાનું હોય છે. આ રિટર્ન ફાઇલ કરવા માટે અગાઉના મહિનામાં વેપારીએ જે પણ ખરીદી કરી હોય તેની વિગતો ટૂ-બીમાં પોર્ટલ પર જોવા મળતી હોય છે. તે આધારે વેપારીઓ દ્વારા ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ લેતા હોય છે, પરંતુ ચાલુ મહિને પોર્ટલ પર ટૂ-બીની વિગતોમાં અનેક ખામીઓ બહાર આવતા વેપારીઓની સાથે સાથે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ અને સીએ પણ અસમંજસમાં મુકાયા છે.

સમગ્ર મહિના દરમિયાન વેપારીએ કરેલી ખરીદીની વિગતો દર મહિનાની ૧૪ તારીખે જીએસટી પોર્ટલ પર રબીમાં દેખાય છે. તે આધારે વેપારીઓ બિલની ચકાસણી કરીને ૩બી રિટર્ન ફાઇલ કરતા હોય છે, કારણ કે કેટલાક કિસ્‍સામાં જે વેપારીએ જીએસટી ભરી નહીં હોય તે વેપારીનું બિલ ટૂ-બીમાં દેખાતું નહીં હોવાના લીધે ક્રેડિટ મળી શકતી નથી. આ કારણોસર વેપારીઓ ટૂ.બીમાં આવતી તમામ વિગતોની ઊલટતપાસ કર્યા પછી જ ૩બી રિટર્ન ફાઇલ કરતા હોય છે. જ્‍યારે ચાલુ મહિનામાં પોર્ટલ પર દેખાતા ટૂ-બીની વિગતોમાં અનેક ખામીઓ બહાર આવી છે. કારણ કે ઓક્‍ટોબરના બદલે સપ્‍ટેમ્‍બરમાં જે બિલની ક્રેડિટ વેપારીએ લઇ લીધી છે તેની પણ વિગતો પોર્ટલ પર જોવા મળી રહી છે. હવે આ વિગતોના આધારે વેપારી, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ અથવા તો સીએ દ્વારા રિટર્ન ફાઇલ કરી દેવામાં આવે તો વેપારીને નોટિસ મળવાની શકયતા રહેલી છે.

જે અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે પોર્ટલની ખામીને કારણે ૩બી રિટર્ન ભરવામાં ભારે મુશ્‍કેલી થઈ રહી છે. તેમાં પણ ખોટી રીતે ક્રેડિટ લીધી હોવાનું બહાર આવે તો વેપારીને નોટિસ મળવા ઉપરાંત દંડ અને વ્‍યાજ સહિત તે રકમ ભરવાની સ્‍થિતિ ઊભી થાય તેમ છે. જેથી પોર્ટલ પર સર્જાયેલી ખામીને તાત્‍કાલિક દૂર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે રિટર્ન ભરવાને આડે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા તેમાં સુધારો કરવામાં આવવો જોઇએ.

(11:50 AM IST)