News of Monday, 18th November 2024
ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વસ્તરે ઓળખ આપનાર અને વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક સરોદ વાદક આશિષ ખાનનું નિધન
આશિષ ખાનને તેમના આલ્બમ ‘ગોલ્ડન સ્ટ્રીંગ્સ ઓફ ધ સરોદ’ માટે વર્ષ ૨૦૦૬માં ‘બેસ્ટ ટ્રેડિશનલ વર્લ્ડ મ્યુઝિક આલ્બમ’ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા વર્ષ ૨૦૦૪માં આશિષ ખાનને ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી તા.૧૮ : સરોદ વાદક આશિષ ખાનનું 84 વર્ષની વયે નિધન થયું છે. મહાન સરોદ વાદક એ અમેરિકા (United States Of America)ના લોસ એન્જલસમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં એક ઓળખ આપી. આશિષ ખાન નિધનના બે દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ હતા.
આશિષ ખાનના ભત્રીજા, ઉસ્તાદ શિરાઝ અલી ખાને સોશિયલ મીડિયા પર પીઢ સરોદ વાદકના નિધનની પુષ્ટિ કરી છે. તેણે આશિષ ખાનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ સાથે અમે ગુરુવારે ૧૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ અમારા આદરણીય અને પ્રિય આશિષ ખાનના નિધન થયું છે, જેની અમે તમને જાણ કરીએ છીએ. અમે તેમને અમારા જીવનમાં મેળવીને ધન્ય છીએ અને તેઓ હંમેશા અમારા હૃદયમાં રહેશે.’
આશિષ ખાનનો જન્મ વર્ષ ૧૯૩૯માં સંગીતનું બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના દાદા ઉસ્તાદ અલાઉદ્દીન ખાન અને પિતા ઉસ્તાદ અલી અકબર ખાન પણ ઉત્તમ સરોદ વાદક હતા. તેમણે જ આશિષ ખાનને તાલીમ આપી હતી. આશિષ ખાને નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. આશિષ ખાનને તેમના આલ્બમ ‘ગોલ્ડન સ્ટ્રીંગ્સ ઓફ ધ સરોદ’ માટે વર્ષ ૨૦૦૬માં ‘બેસ્ટ ટ્રેડિશનલ વર્લ્ડ મ્યુઝિક આલ્બમ’ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૪માં આશિષ ખાનને ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. પંડિત રવિશંકર અને પન્નાલાલ ઘોષ જેવા દિગ્ગજ નેતાઓના પગલે ચાલતા આશિષ ખાનને વર્ષ ૧૯૮૯માં તેમને ઓલ ઈન્ડિયા રેડિયોના ઓર્કેસ્ટ્રા જૂથમાં જોડાવાની તક મળી હતી. તેમને સંગીતકાર અને સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આશિષ ખાન પોતાની આવડતને દુનિયાભરમાં ફેલાવવા માંગતા હતા આથી તેમણે અમેરિકા અને કેનેડાની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને તાલીમ આપી. આંતરાષ્ટ્રીય સ્તરે ભારતીય શાસ્ત્રીય સંગીતને ઓળખ આપનાર સરોદ વાદક આશિષ ખાને જ્યોર્જ હેરિસન , એરિક ક્લેપ્ટન અને રિંગો સ્ટારજેવા આંતરરાષ્ટ્રીય સંગીતકારો સાથે કામ કર્યું હતું. આશિષ ખાનના લોકપ્રિય વર્કમાં ‘ગાંધી’ અને ‘અ પેસેજ ટુ ઈન્ડિયા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથે ઈન્ડો-જાઝ બેન્ડ ‘શાંતિ’ નો પણ પાયો નાખ્યો હતો.
આશિષ ખાન એક ઉત્તમ સરોદ વાદક અને સંગીતકાર હતા. તેમના સંગીતે ઘણા સંગીતકારો અને શ્રોતાઓને પ્રેરણા આપી છે. તેઓ વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક હતા.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
