<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ચિકનગુનિયાએ મુંબઈગરાઓની ઊંઘ હરામ કરી: ગયા વર્ષની તુલનામાં કેસમાં 230 ટકાનો વધારો

છેલ્લા ૩ વર્ષ પૈકી આ વર્ષે ચિકનગુનિયાના સૌથી વધુ કેસ જોવા મળ્યા

મુંબઈ :આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા કેસની સાથે ચિકનગુનિયાએ મુંબઈગરાઓની ઊંઘ હરામ કરી નાખી છે. પાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર છેલ્લા ૩ વર્ષ પૈકી આ વર્ષે ચિકનગુનિયાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આ વર્ષે દરરોજ સરેરાશ ૨ લોકો આ રોગથી સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે રાજ્યના અન્ય શહેર નાગપુર અને પુણેમાં ચિકન ગુનિયાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પાલિકાની ચિંતા વધારી છે.

આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર ૨૦૨૨માં ચિકનગુનિયાના માત્ર ૨૨ કેસ જ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૩માં ૨૫૦ મુંબઈગરા આ બીમારીમાં સપડાયા હતા. દરમિયાન, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ૫૭૮ લોકોમાં ચિકનગુનિયા થયો છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ ૨૩૦ ટકાનો વધારો થયો છે.


આ વર્ષે  મુંબઈમાં વધુ વરસાદ થયો છે. તૂટક તૂટક વરસાદને કારણે તાડપત્રી, બહાર ફેંકેલી બોટલ વગેરે ભંગાર જમા થઈ જાય છે. આ સિવાય મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં બાંધકામ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં મચ્છરોને પ્રજનન માટે સ્વચ્છ પાણી મળી રહે છે. ઘરોમાં પણ મચ્છરોના પ્રજનન સ્થળો જોવા મળે છે. જેના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે.


ચિકનગુનિયા એક વાયરલ રોગ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ મચ્છરો ખાસ કરીને દિવસ દરમિયાન સક્રિય હોય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચૂસ્યા પછી અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. ચિકનગુનિયા વાયરસના લક્ષણોમાં તાવ, સાંધામાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ચામડી પર ચકામા અને થાકનો સમાવેશ થાય છે.

(10:58 PM IST)