‘કેશ ફોર વોટ'ને લઈને મુંબઈની હોટલમાં ભાજપના નેતા વિનોદ તાવડે ઘેરાયા : હંગામો
BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે વહેંચવા માટે ૫ કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા : જો કે તાવડે આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે

મુંબઈ, તા.૧૯: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાણાં (કેશ ફોર વોટ)ની વહેંચણીના ગંભીર આરોપો લાગ્યા છે. મુંબઈની એક હોટલમાં વિરોધ પક્ષ બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે તેને વહેંચવા માટે ૫ કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. જો કે તાવડે આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે.
વિરોધીઓએ આ સમયે આખી વિવાંતા હોટલને સીલ કરી દીધી છે. સ્થિતિ અત્યંત તંગ છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં BVAની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. BVA ના કાર્યકરો વિવાંતા હોટલ ખાતે ભેગા થઈ રહ્યા છે.
આ હંગામા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર હોટલ પહોંચી ગયા છે. તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ તેમની સાથે છે. હિતેન્દ્રનો આરોપ છે કે વિનોદ તાવડે ૫ કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે. તમને જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આ ઘટના પર BJP IT સેલના વડા અમિત માલવિયાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો વિપક્ષ પાસે આવા કોઈ પુરાવા છે તો તેમણે ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. માલવિયાએ આ ઘટનાને ષડયંત્ર ગણાવી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીના ૨૪ કલાક પહેલા નેતાઓ તેમના બૂથના સંચાલનનું ધ્યાન રાખે છે. હારેલા નેતાઓ આવા ડ્રામા કરે છે, જે હાલમાં નાલાસોપારામાં થઈ રહ્યું છે. તેણે કહ્યું છે કે તે હોટલમાં અમારા સંગઠનની બેઠક ચાલી રહી હતી.
દરમિયાન, આ ઘટના પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું, જ્યારે હું મા તુલજાભવાનીના દર્શન કરવા આવી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મારી બેગની તપાસ કરી હતી. જોકે, તેઓને કંઈ મળ્યું ન હતું. હવે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પણ અનિલ દેશમુખ પર હુમલો થયો હતો, તો પછી પથ્થરો કયાંથી આવ્યા તેની તપાસ કોણે કરવી જોઈતી હતી. હું તુલજાભવાની માતાને પ્રાર્થના કરું છું કે આ ભ્રષ્ટ અને આતંક ફેલાવતી સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
