<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મહારાષ્ટ્રની ચૂંટણી : સૌથી શ્રીમંત ત્રણેય વિધાનસભ્‍યો ભાજપના

શાહની સંપત્તિ ૩,૩૮૩ કરોડ રૂપિયા છે, જ્‍યારે ઠાકુરની સંપત્તિ ૪૭૫ કરોડ રૂપિયા છે : લોઢાની સંપત્તિ ૪૪૭ કરોડ રૂપિયા છે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે ચૂંટાયેલા વિધાનસભ્‍યોમાં સૌથી શ્રીમંત ત્રણ વિધાનસભ્‍યો ભાજપના હોવાનું જાણવા મળ્‍યું છે. ઘાટકોપર-ઈસ્‍ટના વિધાનસભ્‍ય પરાગ શાહ, પનવેલના વિધાનસભ્‍ય પ્રશાંત ઠાકુર અને મલબાર હિલના મંગલ પ્રભાત લોઢા સૌથી શ્રીમંત વિધાનસભ્‍યો છે અને ત્રણેય ભાજપના છે.

શાહની સંપત્તિ ૩,૩૮૩ કરોડ રૂપિયા છે, જ્‍યારે ઠાકુરની સંપત્તિ ૪૭૫ કરોડ રૂપિયા છે. લોઢાની સંપત્તિ ૪૪૭ કરોડ રૂપિયા છે.

૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી જીતનારા બધા જ વિધાનસભ્‍યોને ધ્‍યાનમાં લેવામાં આવે તો તેમની સરેરાશ સંપત્તિ ૯.૧૧ કરોડ રૂપિયા થવા જાય છે, જે ૨૦૧૯ની સરેરાશ (૪.૨૧ કરોડ રૂપિયા) કરતાં બમણી થઈ ગઈ છે.

ભાજપના ૧૪૯ ઉમેદવારમાંથી ૧૪૪ ઉમેદવારો (૯૭ ટકા)એ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. કાઃગ્રેસના ૧૦૧માંથી ૯૪ (૯૩ ટકા)એ અને શિવસેના (યુબીટી)ના ૯૫માંથી ૯૪ (૯૯ ટકા), એનસીપી- એસપીના ૮૪માંથી ૮૦ (૯૫ ટકા), શિવસેનાના ૮૧માંથી ૭૯ (૯૮ ટકા) અને એનસીપીના ૫૯માંથી ૫૮ (૯૮ ટકા) ઉમેદવાર કરોડપતિ હતા.

બીજી તરફ અપક્ષ ઉમેદવાર અજય ભોજરાજ મંડપે અને વિજય શ્રીવાસ (બડનેરા બેઠક) અને પરલીના અલતાફ સૈયદે ૨,૦૦૦ રૂપિયાથી ઓછી સંપત્તિ જાહેર કરી હતી.

(9:43 AM IST)