તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 26th November 2024
એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ : રાજયપાલને પત્ર સોંપ્યો
અજિત પવાર અને ફડણવીસ હાજર

મુંબઇ તા. ૨૬ : શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બે દિવસ પહેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તેઓ રાજભવન ગયા અને રાજયપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજયપાલે તેમને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું છે. આજે રાજયની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
શિંદે તેમના બે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજયમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને શાનદાર જીત મળી છે. હવે ગઠબંધન ટૂંક સમયમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરે તેવી શક્યતા છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં મહાયુતિને ૨૩૨ બેઠકો મળી છે.
ટૂંક સમયમાં જ મહાયુતિ તરફ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ આ રેસમાં આગળ હોવાનું કહેવાય છે. જો કે, એકનાથ શિંદેએ હજુ સુધી સીએમ પદ માટે પોતાનો દાવો છોડ્યો નથી. પરંતુ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ આ વખતે સીએમ પદને લઈને કોઈ બાંધછોડ નહીં કરે તેવી અપેક્ષા છે.
રાજયની વિધાનસભાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આજે સાંજ સુધીમાં નવી સરકાર બનાવવી જરૂરી છે. સાંજ સુધીમાં ગઠબંધન દ્વારા ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ત્યારબાદ મોડી સાંજ સુધી શપથવિધિ થઈ શકશે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
