News of Wednesday, 27th November 2024
વાવાઝોડું ફેંગલ આજે વધુ ઉગ્ર બનશેઃ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના
તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદની શકયતા

નવી દિલ્હી તા.૨૭: ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ત્યારે દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાલની ખાડીમાં વાવાઝોડું ફેંગલ સર્જાઈ રહ્યું છે. બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠે તે ત્રાટકવાની સંભાવના છે. જેને કારણે તમિલનાડુ સહિત પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે બંગાળની ખાડીમાં દક્ષિણ ભાગમાં બનેલા પ્રેશરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ડિપ્રેશન આજે વધુ તીવ્ર બનશે. અને ઉગ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની બે દિવસ સુધી અસરો જોવા મળશે. હવામાન શાષાીઓ દ્વારા આ વાવાઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મંગળવારથી વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. તમિલનાડુના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ફેંગલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટિનમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આજે વાવાઝોડું ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે પહોંચે તેવી શકયતા છે. ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીની પગલે ઈન્ડિગો એરલાઈન્સે પણ એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરી અનુસાર ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટને અસર થઈ રહી છે. તિરુચિરાપલ્લી અને સાલેમ પણ હવે પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને તેમની ફ્લાઈટનું સ્ટેટસ જાણવા માટે સતત અપડેટ સાથે જોડાઈ રહેવા જણાવ્યું છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
