<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

યુપીના ખેડૂતોએ કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે નવી પ્રક્રિયાને અનુસરવી પડશે : કિસાન સન્માન નિધિ માટે ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરાવવી પડશે

નોંધણી કરવા માટે ખેડૂતોને તેમના આધાર કાર્ડ, ખતૌની અને મોબાઈલ નંબરની જરૂર પડશે : મોબાઈલ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSAC)ની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે

નવી દિલ્હી તા.૨૭ :પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, હવે યુપીના ખેડૂતોએ કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે નવી પ્રક્રિયાને અનુસરવી પડશે. કિસાન સન્માન નિધિ, પાક નુકસાન વળતર, પાક લોન વગેરે જેવા લાભો મેળવવા માટે સરકાર ઓનલાઈન ખેડૂત રજિસ્ટ્રી દ્વારા ખેડૂતો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. ખેડૂતોએ આ તમામ માહિતી ઓનલાઈન આપવાની રહેશે, તો જ તેઓ પીએમ કિસાન અને અન્ય યોજનાઓનો લાભ મેળવી શકશે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2024થી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધણી ફરજિયાત રહેશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓ જેવી કે પાક ધિરાણ, પાક વીમા વળતર જે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે તે પણ આ નોંધણી બાદ પૂરી પાડી શકાશે. કિસાન સન્માન નિધિ માટે ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ખેડૂત નોંધણી માટે ગામડાઓમાં કેમ્પ યોજાશે. નોંધણી કરવા માટે ખેડૂતોને તેમના આધાર કાર્ડ, ખતૌની અને મોબાઈલ નંબરની જરૂર પડશે. સન્માન નિધિ મેળવતા ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવવી જરૂરી રહેશે. આ માટે ખેડૂતો સરકારી પોર્ટલ upfr.agristack.gov.in અને મોબાઈલ એપ પર નોંધણી કરાવી શકે છે. આ માટે ભારત સરકારે પોર્ટલને 31મી ડિસેમ્બર સુધી કાર્યરત કરી દીધું છે. ખેડૂતો તેમના મોબાઈલ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSAC)ની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે, 5 ઓક્ટોબર, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં PM કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કર્યો હતો. 18મા હપ્તામાં, લગભગ 10 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રત્યેકને 2,000 રૂપિયા સીધા મોકલવામાં આવ્યા હતા. પીએમ મોદીએ DBT દ્વારા ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. હવે ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુમાન મુજબ, આગામી હપ્તો ફેબ્રુઆરી 2025માં આવી શકે છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી

(3:44 PM IST)