News of Wednesday, 27th November 2024
જિલ્લા સહકારી બેંકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ : ઘણી જગ્યાએ રાજ્ય અને જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવના "નબળી" થવા પર પણ ચિંતા વ્યક્ત કરી
"NAFSCOBનું કામ માત્ર બેઠકો યોજવાનું અને RBI અને સરકાર સાથે સમસ્યાઓનું નિરાકરણ કરવાનું નથી; તેનું કામ PACS ને સક્ષમ, પારદર્શક અને આધુનિક બનાવવાનું છે," પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને મજબૂત કરવાની હિમાયત કરી

નવી દિલ્હી તા.૨૭ :સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે મંગળવારે નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને વધુ વ્યવહારુ, પારદર્શક અને આધુનિક બનાવવા માટે પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ લિમિટેડ (NAFSCOB) ના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં બોલતા, શાહે ઘણી જગ્યાએ રાજ્ય અને જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવના "નબળી" થવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સાચો સહકાર એટલે સામૂહિક સમૃદ્ધિ અને સામાન્ય લાભોની વહેંચણી. શાહે કહ્યું, "NAFSCOBનું કામ માત્ર બેઠકો યોજવાનું અને RBI અને સરકાર સાથે સમસ્યાઓનું નિરાકરણ કરવાનું નથી; તેનું કામ PACS ને સક્ષમ, પારદર્શક અને આધુનિક બનાવવાનું છે," શાહે કહ્યું. સહકારી બેંકિંગ સુધારાના મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, તેમણે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને મજબૂત કરવાની હિમાયત કરી, જેમાંથી કુલ સંખ્યા 1.05 લાખ છે, જ્યારે માત્ર 65,000 કાર્યરત છે. શાહે કહ્યું કે સરકાર આગામી વર્ષોમાં જિલ્લા સહકારી બેંકોની સંખ્યા વર્તમાન 300 થી 50 ટકા વધારવાનું લક્ષ્ય રાખે છે. તમને જણાવી દઈએ કે દેશમાં 34 રાજ્ય સહકારી બેંકો, 352 જિલ્લા સહકારી બેંકો અને 1.05 લાખ PACS છે. મંત્રીએ NAFSCOB ને PACS ને નવી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધવામાં મદદ કરવા માટે વર્કશોપનું આયોજન કરવા વિનંતી કરી અને અમદાવાદ જિલ્લા સહકારી બેંક અને ગુજરાત રાજ્ય સહકારી બેંક જેવા સફળ મોડલનો અભ્યાસ કરવા પણ આહ્વાન કર્યું. તેમણે NAFSCOBને તકનીકી અપગ્રેડેશનના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા, યુવાનોને જોડવાની તકો ઊભી કરવા અને ઓછી કિંમતની થાપણો વધારવા માટે કહ્યું. હાલમાં, જિલ્લા સહકારી બેંકોમાં 4.31 લાખ કરોડ રૂપિયાની થાપણો છે, જ્યારે રાજ્ય સહકારી બેંકોમાં 2.42 લાખ કરોડ રૂપિયા છે. આ સેક્ટર અંદાજે રૂ. 4,281 કરોડનો સંયુક્ત નફો જનરેટ કરે છે. મોદી 3.0 સરકારના વિઝનની રૂપરેખા આપતા શાહે ભાર મૂક્યો હતો કે સહકારી ક્ષેત્રે માળખાકીય અને કાનૂની પડકારો પ્રત્યે સંતુલિત અભિગમ જાળવીને આગળ વધવું જોઈએ અને સંપૂર્ણ ઝડપે કામ કરવું જોઈએ. રાજ્ય અને જિલ્લા સહકારી બેંકોને નાબાર્ડ સાથે જોડવા માટે આઠ ભાષાઓમાં એક સામાન્ય સોફ્ટવેર પહેલેથી જ લાગુ કરવામાં આવ્યું છે, જે ટેક્નોલોજીકલ ટ્રાન્સફોર્મેશન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
