<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

પીએમ મોદીની પાછળ ચાલતા મહિલા SPG કમાન્‍ડોનો ફોટો વાયરલ

નારી તું નારાયણી... : વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે મહિલા સ્‍પેશિયલ પ્રોટેકશન ગ્રુપ કમાન્‍ડો તૈનાત

નવી દિલ્‍હી તા. ૨૯ : વડાપ્રધાન મોદીની સુરક્ષામાં એક મહિલા SPG કમાન્‍ડો તૈનાત જોવા મળી હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિશે અલગ-અલગ વાતો કરી રહ્યા છે. પરંતુ સૂત્રોના જણાવ્‍યા અનુસાર એસપીજીમાં મહિલા કમાન્‍ડોની હાજરી નવી વાત નથી. મહિલાઓ અગાઉ પણ SPGનો ભાગ રહી ચૂકી છે. શરૂઆતમાં મહિલાઓને અગાઉથી તૈનાત રાખવામાં આવતી હતી. વાયરલ તસવીર સંસદની અંદરની હોવાનું કહેવાય છે. સંસદમાં SPG મહિલા કમાન્‍ડોને તૈનાત કરવી સામાન્‍ય બાબત છે.

એસપીજીની મહિલા કમાન્‍ડો પહેલાથી જ વડાપ્રધાનની સુરક્ષા માટે સંસદમાં આવતા લોકો પર નજર રાખે છે અથવા જયારે કોઈ મહિલા મહેમાન પીએમને મળવા આવે છે, ત્‍યારે તેઓને મોનિટરિંગ, ફ્રિસ્‍કિંગ અને પીએમ સુધી મહેમાનને લઈ જવા માટે રાખવામાં આવે છે. સૂત્રોએ જણાવ્‍યું કે ક્‍લોઝ પ્રોટેક્‍શન ટીમ માટે મહિલા કમાન્‍ડોની તૈનાતી ૨૦૧૫થી શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં જયારે વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે ત્‍યારે મહિલા SPG કમાન્‍ડોને પણ વિદેશ મોકલવામાં આવે છે જેઓ ત્‍યાં એડવાન્‍સ સિક્‍યોરિટી લાયઝન માટે કામ કરે છે.

સ્‍પેશિયલ પ્રોટેક્‍શન ગ્રૂપની સ્‍થાપના ૧૯૮૫માં વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારના સભ્‍યોને નજીકનું સુરક્ષા કવચ પ્રદાન કરવાના હેતુથી કરવામાં આવી હતી. જયારે તત્‍કાલિન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્‍યા કરવામાં આવી ત્‍યારે કેન્‍દ્ર સરકારને એક સમર્પિત દળ ઉભું કરવાની જરૂરિયાત અનુભવાઈ જે દેશના વર્તમાન અને ભૂતપૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોનું રક્ષણ કરી શકે. તેનું મુખ્‍યાલય નવી દિલ્‍હીમાં આવેલું છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત મહિલા SPG કમાન્‍ડોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. યુઝર્સ આ તસવીર પર ઘણી કોમેન્‍ટ કરી રહ્યા છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે મોદીના કારણે જ દેશની દીકરીઓ આગળ વધી રહી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ તસવીર દર્શાવે છે કે પીએમ મોદી મહિલા સશક્‍તિકરણને કેટલો પ્રોત્‍સાહન આપે છે.

(10:16 AM IST)