News of Monday, 2nd December 2024
એકનાથ શિંદેની નારાજગી ખતમ :ગૃહ મંત્રાલયનો પણ આગ્રહ છોડ્યો : સરકારમાં આ પદ અને મંત્રાલય મળશે
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થયા અને ગૃહ મંત્રાલયનો તેમનો આગ્રહ છોડી દીધો

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણને લઈને આ વખતે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નારાજ થયેલા એકનાથ શિંદેને મનાવી લેવામાં આવ્યા છે. એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનશે અને તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવશે. શિંદે મંગળવારે મોડી સાંજ સુધીમાં મુંબઈ પરત ફરશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે. શિંદે તેમના નામ માટે સંમત થયા છે. ગૃહ મંત્રાલય પણ ફડણવીસ પાસે રહેશે. તે સ્પષ્ટ છે કે શિંદેએ ગૃહ મંત્રાલયનો પોતાનો આગ્રહ છોડી દીધો છે.
ભાજપના નેતા અને ગત સરકારમાં મંત્રી ગિરીશ મહાજન થાણે ગયા છે અને મોડી સાંજે કાર્યપાલક મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા છે. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. ગિરીશ મહાજન દેવેન્દ્ર ફડણવીસના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
ગિરીશ મહાજને કહ્યું કે મને તેમની તબિયત વિશે ખબર પડી છે, મહાયુતિમાં બધું બરાબર છે. એકનાથ શિંદેનું હૃદય મોટું છે. તે નાની-નાની બાબતો પર ગુસ્સે થનાર નથી. શિંદે નારાજ નથી. આવતીકાલથી બધા સાથે કામ કરતા જોવા મળશે. પાંચ વર્ષ સુધી સરકાર મજબૂત રીતે ચલાવવાની હોય છે.
આવતીકાલે, ત્રણેય પક્ષો ભાજપ, શિંદે, શિવસેના અને અજિત પવાર એનસીપીના નેતાઓ શપથગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સવારે 10 વાગ્યા પછી આઝાદ મેદાનમાં જશે અને તેમની એકતા પણ દર્શાવશે. એકનાથ શિંદે આવતીકાલે બપોરે વર્ષા ખાતે આવશે અને 6 ડિસેમ્બરે ડૉ.આંબેડકર મહાપરિનિર્વાણ દિવસની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજશે.
આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે મહારાષ્ટ્રના સીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય હશે કે તેમાં 40 હજાર લોકો એકઠા થવાની આશા છે, જેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.
આ કાર્યક્રમમાં દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ વિસ્તારની મહિલાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 2,000 VVIP પાસ જારી કરવામાં આવશે અને 13 ખાસ ડિઝાઇન કરાયેલા બ્લોકમાં મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
