તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની એક વર્ષની સજા હાઇકોર્ટે મોકૂફ રાખી
ચેક રિટર્ન કેસમાં ૧૬ લાખ પ૦ હજાર ભરવાની શરતે રાજકોટ સેસન્સ કોર્ટે તાજેતરમાં એક વર્ષની સજા બહાલ રાખી હતી

નવી દિલ્હી, તા. ૩ : ફિલ્મ નિર્માતા અને પ્રોડયુસર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં કોર્ટે ફટકારેલી એક વર્ષની કેદની સજાને ગુજરાત હાઇકોર્ટે વચગાળાની રાહત આપી છે. રાજકુમાર સંતોષીના વોરંટ સામે પણ સ્ટે જારી કર્યો હતો. હાઈકોર્ટે રૂ.૧૬.૫ લાખ એક સપ્તાહમાં હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરતે રાહત આપી હતી.
રાજકોટના ચેક રિટર્નના ચકચારભર્યા કેસમાં મૂળ ફરિયાદપક્ષ તરફથી એવા આક્ષેપ કરાયા હતા કે, તેમણે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ૨૦૧૦માં ૨૦ લાખ આપ્યા હતા અને વ્યાજ સાથે કુલ ૬૦ લાખ લેવાના નીકળે છે. નેગોશીએબલ ઇન્સ્યુરમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરાયેલા આ કેસમાં સ્થાનિક કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને રૂ.૨૨.૫૦ લાખનો દંડ નો હુકમ કર્યો હતો. જેની સામે નિર્માતા રાજકુમાર સંતોષીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતા જેમાં સેસન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ યથાવત્ રાખી અપીલ
ફગાવી દીધી હતી અને વોરંટ જારી કર્યું હતું. જેને પગલે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે, કેસમાં મૂળ ફરિયાદી દ્વારા ખોટી રીતે કેસ ઉપજાવી કાઢેલો છે અને હકીકતમાં શરુઆતની ફરિયાદ અને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ અપાયેલી નોટિસ વચ્ચે વિરોધાભાસ છે. ટ્રાયલ દરમ્યાન પણ ફરિયાદીના નિવેદનોમાં વિસંગતાઓ સામે આવી હતી. ફરિયાદીએ ખુદ સ્વીકાર્યું છે કે, સંતોષીએ કુલ રૂ.૩૭.૫ લાખની ચુકવણી કરી છે. રાજકુમાર સંતોષી તરફથી હાઈકોર્ટનું એ મામલે પણ ધ્યાન દોરાયું કે, તેમણે આ કેસમાં રૂ. છ લાખ સેશન્સ કોર્ટમાં જમા કરાવ્યા છે અને બાકી રહેતી રકમ ૧૬.૫ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા તૈયાર છે. જસ્ટિસ એમ.આર.મેંગડેએ જણાવ્યું હતું કે, અરજદાર ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી બાકી રહેતી રકમ રૂ.૧૬.૫ લાખ જમા કરાવવા તૈયાર છે ત્યારે તેમને વચગાળાની રાહત આપવી યોગ્ય જણાય છે. હાઈકોર્ટે અરજદાર ફિલ્મ નિર્માતા ૧૬.૫ લાખ એક સપ્તાહમાં હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરતે તેમની સજાને મોકૂફ રાખતી વચગાળાની રાહત આપી હતી. સાથે સાથે વોરંટ સામે પણ સ્ટે જારી કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૩મી ફેબ્રુઆરી પર રાખી હતી.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
