<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

સંતાન માટે યોગ્‍ય પાત્ર શોધવા જાઓ ત્‍યારે વર્ષોનાં વર્ષો કેમ લાગી જાય છે ?

ઘણી વાર તો ઉમેદવાર કરતાં તેનાં માતાપિતાનાં જ નખરાં વધુ હોય છે

મુંબઇ, તા.૫: લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે. તુલસીજી અને વિષ્‍ણુજીનાં લગ્ન થઈ ગયા બાદ હવે આપણા ઘરની તુલસીઓ અને વિષ્‍ણુઓના વિવાહ થશે કયારે? એ જ મોટી ચિંતા છે. આ કોઈ એક જ સમાજનો પ્રશ્ન નથી, દરેક સમાજની સમસ્‍યા છે. વેવિશાળ સંપન્‍ન થાય તો વિવાહની વાત કરી શકાય, પરંતુ સંતાનનું વેવિશાળ કરતાં મા-બાપનાં અગણિત જોડી ચંપલ ઘસાઈ જાય છે. આજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓનું વેવિશાળ કરવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું કામ છે. પહેલાં કોઈ યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરવાં હોય તો માતાપિતા અને સમાજ તરફથી ભારે વિરોધ થતો હતો. પ્રેમી-પંખીડાંએ ભાગીને લગ્ન કરવાં પડતાં હતાં. જ્‍યારે આજે એવો સમય આવ્‍યો છે કે પોતાનું સંતાન જો પોતે જ પોતાનો જીવનસાથી શોધી લે તો માતાપિતા રાજી થઈ જાય છે, કારણ કે પોતાના સંતાન માટે યોગ્‍ય પાત્ર શોધવા જાઓ તો વર્ષોનાં વર્ષો લાગી જાય છે. ઘણી વાર તો યુવક-યુવતીની પરણવાની ઉંમર નીકળી જાય છે. આવાં યુવક-યુવતીની સંખ્‍યા વધતી જાય છે. શા માટે આમ થઈ રહ્‍યું છે? કારણો શોધવા જઈએ તો અનેક છે, પણ મુખ્‍ય કારણો કયાં? સૌપ્રથમ તો આભને આંબતી અપેક્ષા. યુવક હોય કે યુવતી; બન્‍ને પક્ષે સર્વશ્રેષ્ઠ પાત્ર જ મેળવવાની અપેક્ષા હોય છે. સામેનું પાત્ર સર્વગુણ સંપન્‍ન હોય તો જ માન્‍ય. તમે કોઈ સર્વગુણ સંપન્‍ન વ્‍યક્‍તિ જોઈ છે? નહીંને? તો પછી આવી અપેક્ષા શા માટે?

 બીજું; પૈસા, ધન, સંપત્તિ, ઘર, એરિયા. સૌને પૈસાપાત્ર પરિવાર જ અપેક્ષિત છે. સૌને સાઉથ મુંબઈમાં જ પોતાની દીકરી પરણાવવી છે. આગળ વધીને પાર્લા-જુહુ-સ્‍કીમ સુધી બસ. મલાડ, કાંદિવલી, બોરીવલીને આ લોકો મ.કા.બો. કહે છે. મ.કા.બો. ન ચાલે. પછી ભલે મ.કા.બો.માં પૈસાપાત્ર, સૉફિસ્‍ટિકેટેડ, શિક્ષિત પાત્ર મૃતું હોય, પણ નહીં એટલે નહીં. તો પછી દહિસર, ભાઈંદર, નાલાસોપારા, વસઈ, વિરારનો વિચાર જ ન થઈ શકે.

ઘર મોટું હોવું જોઈએ. ઓછામાં ઓછા ત્રણ બેડરૂમ તો જોઈએ જ. મુંબઈ જેવા શહેરમાં આવું ઘર કેટલા લોકો પાસે હોય? યુવતીઓની વાત કરી તો યુવકો પણ કંઈ ઓછા નથી. તેમને દેખાવમાં ઐશ્વર્યા રાય જોઈએ અને યુવતીનો પરિવાર પૈસાપાત્ર તો હોવો જ જોઈએ. યુવતી નોકરી કરતી હોય તો લોન પર લીધેલા ઘરના હપ્‍તા ભરવામાં તેનો પગાર ઉપયોગી થઈ શકે એવી અપેક્ષા પણ રખાતી હોય છે.

ઘણી બાબતોને કારણે વેવિશાળ થતાં નથી. જેમ કે જન્‍માક્ષર અને ગૌત્ર જેવી બાબતો પણ નડે છે. ઘણી વાર તો ઉમેદવાર કરતાં તેનાં માતાપિતાનાં જ નખરાં વધુ હોય છે. ખાસ કરીને માતાનાં. જો થોડીઘણી બાંધછોડ કરવામાં નહીં આવે તો આ સમસ્‍યાનો અંત નહીં આવે.(નીલા સંઘવી -મીડ ડેમાંથી સાભાર)(

(10:08 AM IST)