<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

રેલ્વેમાં 58,642 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ :રેલમંત્રી અશ્વિની વૈષ્ણ્વએ આપ્યો જવાબ

રેલવે (સુધારા) બિલ-2024 પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં રેલવે મંત્રીએ આ વાત કહી

નવી દિલ્હી :રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, રેલ્વેમાં યુવાનોને મહત્તમ તકો આપવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે, રેલ્વેમાં 58,642 ખાલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. રેલવે (સુધારા) બિલ-2024 પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં રેલવે મંત્રીએ આ વાત કહી. તેમના જવાબ બાદ ગૃહે ધ્વનિ મતથી બિલને મંજૂરી આપી હતી.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ રેલ્વે યુવાનોને મહત્તમ તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન 4,11,000 લોકોને રેલ્વેમાં નોકરી મળી, જ્યારે મોદી સરકારમાં 5,02,000 યુવાનોની ભરતી કરવામાં આવી. તેમણે એ પણ માહિતી આપી કે હાલમાં રેલવેમાં 58,642 ખાલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.

રેલવેમાં ભરતી પરીક્ષાઓ વિશે વાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અત્યાર સુધી આ પરીક્ષાઓમાં કોઈ પ્રશ્નપત્ર લીક થયાની ફરિયાદ મળી નથી. આ પરીક્ષાઓ સુચારૂ રીતે લેવાઈ રહી છે. આ ઉપરાંત દાયકાઓ જૂની માંગ મુજબ વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવી રહી છે.

4 ડિસેમ્બરે લોકસભામાં ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોના કેટલાક સભ્યોએ સરકાર પર રેલવેનું ખાનગીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઘણા સભ્યોએ ખાનગીકરણ અંગે ચર્ચા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. કૃપા કરીને નકલી ચર્ચાઓ બનાવવાનો પ્રયાસ કરશો નહીં. બંધારણ પર તમારી નકલી ચર્ચા નિષ્ફળ ગઈ છે. હવે કોઈ નકલી ચર્ચા ન કરો. તેમણે એમ પણ કહ્યું કે રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રશ્ન જ નથી. આ વિષયને રાજકારણથી દૂર રાખવો જોઈએ.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રેલ્વેનું બજેટ 25-30 હજાર કરોડ રૂપિયાથી વધારીને 2.52 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 31,000 કિલોમીટરના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે અને 15,000 કિલોમીટરના રેલ્વે ટ્રેક પર પ્રોટેક્શન સિસ્ટમ 'કવચ' લગાવવામાં આવી રહી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે માત્ર પાંચ વર્ષમાં આટલું કામ કરવું એ અન્ય દેશોની સરખામણીમાં સામાન્ય બાબત નથી.

(9:46 PM IST)