News of Saturday, 14th December 2024
શેરડી પીલાણની સીઝનમાં ખાંડના દરમાં મોટો ઘટાડો થયો: સુગરમીલોને નુકશાન
શેરડીના ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ (એફઆરપી)માં દર વર્ષે વધારો થતા સાકર કારખાનાઓની આર્થિક સ્થિતિ લથડી

મુંબઈ :શેરડી પીલાણની મોસમમાં ખાંડના દરમાં મોટો ઘટાડો થયો છે. ખાંડના દર પ્રતિ ક્વિન્ટલે ૩,૩૦૦ રૂપિયા સુધી નીચે ગગડ્યા છે ૨૦૧૯થી ખાંડનો લઘુતમ વેચાણ દર ૩,૧૦૦ રૂપિયા છે. બીજી તરફ શેરડીના ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ (એફઆરપી)માં દર વર્ષે વધારો કરવામાં આવતા સાકર કારખાનાઓની આર્થિક સ્થિતિ લથડી ગઇ છે.
દેશભરમાં નવેમ્બરથી શેરડી પિલાણની મોસમ શરૂ થઇ છે. પિલાણ કરતા કારખાનાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. દિવાળીમાં ખાંડના દર પ્રતિ ક્વિન્ટલે ૩,૭૦૦ રૂપિયા પર પહોંચ્યા હતા, પરંતુ ત્યારથી અત્યાર સુધી તેના દરમાં પ્રતિ ક્વિન્ટલે ૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
ઠંડીના દિવસોમાં આઇસક્રીમ, ઠંડા પીણાની માગણી ઘટે છે, વધુ તહેવારો પણ હોતા નથી તેથી ખાંડની માગણી ઓછી થતી હોય છે. દેશભરમાં એક મહિનામાં સરેરાશ બાવીસ લાખ ટન ખાંડની માગણી હોય છે. દિવાળી નિમિત્તે સરકારે આ મર્યાદા પચીસ લાખ ટન કરી આપવામાં આવી હતી, પણ વધારાની ખાંડ વેચાઇ નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક સાકર કારખાનાને મહિનાનો ક્વૉટા નક્કી કરી આપવામાં આવે છે. આ ક્વૉટા પૂર્ણ કરવા માટે કારખાનાઓ પર દબાણ હોય છે. ઇથેનોલ બનાવવા પર ભલે સરકાર ભાર આપતી હોય, પરંતુ કારખાનાઓનો મુખ્ય આર્થિક સ્રોત સાકરનું વેચાણ જ છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
