<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાં રોકાણમાં કર્યો વધારો: ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ₹22766 કરોડનું રોકાણ કર્યું

નવેમ્બરમાં FPIsએ ભારતીય બજારમાંથી રૂ. 21,612 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડનો જંગી ઉપાડ કર્યો

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય બજારમાં પાછા ફર્યા છે. FPIsએ ડિસેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂ. 22,766 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ નવેમ્બરમાં FPIsએ ભારતીય બજારમાંથી રૂ. 21,612 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડનો જંગી ઉપાડ કર્યો હતો. ઓક્ટોબરના ઉપાડના આંકડા સૌથી ખરાબ હતા.

રસપ્રદ વાત એ છે કે, FPIs સપ્ટેમ્બરમાં ચોખ્ખા ખરીદદાર હતા અને તેમનું રોકાણ રૂ. 57,724 કરોડની 9 મહિનાની ટોચે પહોંચ્યું હતું. આ વિદેશી રોકાણકારોના રોકાણના વલણમાં અસ્થિરતા દર્શાવે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, 2024માં અત્યાર સુધીમાં FPIsનું શેર્સમાં રોકાણ તાજા રોકાણ સાથે રૂ. 7,747 કરોડ થયું છે.


હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડિરેક્ટર, મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આગળ જતાં, ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોનું વલણ ઘણા મુખ્ય પરિબળો પર નિર્ભર રહેશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે અમલમાં મુકવામાં આવેલી નીતિઓ, વર્તમાન ફુગાવો, વ્યાજ દરની સ્થિતિ અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સિવાય ભારતીય કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને આર્થિક વૃદ્ધિના મોરચે દેશની પ્રગતિ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં FPIsએ સામાન્ય મર્યાદા હેઠળના બોન્ડ્સમાં રૂ. 4,814 કરોડનું રોકાણ કર્યું છે. તે જ સમયે, તેણે ડેટ વોલન્ટરી રીટેન્શન રૂટ (VRR) માંથી રૂ. 666 કરોડ ઉપાડી લીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં FPIs એ ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 1.1 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

(8:01 PM IST)