તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Tuesday, 17th December 2024
ખાલી ૨૦ રૂપિયામાં ટાલની સારવારઃ વાયરલ વીડિયો જોઈ ટાલવાળા હજારો લોકો એકઠા થયા : આખા વિસ્તારમાં ટ્રાફિક જામ
૩૦૦ રૂ.ની ખાસ દવા લગાવીને વાળ ઉગાડતા હોવાનો દાવો

મેરઠઃ ટાલની સમસ્યાથી દેશમાં લાખો લોકો પરેશાન છે. ત્યારે આવા સમયે ટાલની સમસ્યાને દૂર કરવાનો દાવો તેમને દૂર દૂરથી ખેંચી લાવે છે. કંઈક આવું જ ઉત્તર પ્રદેશના મેરઠમાં જોવા મળ્યું છે. ટાલનો સટીક ઈલાજના દાવાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થયા બાદ એક બેંકેટ હોલમાં ભીડ એકઠી થવા લાગી. ૨૦ રૂપિયામાં ટાલનો ઈલાજ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જોકે આ ભીડ આયોજકોના અનુમાનથી કયાંય વધારે હતી. જે બાદ ટોકન દ્વારા લોકોને કાબૂમાં કરવાની કોશિશ કરવામાં આવી.
ટાલની સમસ્યા દૂર થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ રવિવાર સવારે મેરઠમાં આવેલી એક જગ્યા પર લોકોની ભીડ એકઠી થવા લાગી. અહીં સૌ કોઈ માથાના વાળને લઈને પરેશાન હતું.
વાઇરલ વીડિયોમાં પોતાના વાળ ખોઈ ચૂકેલા લોકોના માથા પર ખાસ દવા લગાવીને વાળ ઉગાડતા હોવાનો દાવો કરતા લોકો મેરઠના બિઝનૌરના રહેવાસી છે અને દિલ્હીના મંડોલી વિસ્તારમાં લાંબા સમયથી કેમ્પ ચલાવી રહ્યા છે.
મેરઠમાં બે દિવસીય કેમ્પની વ્યવસ્થા કરનારા આયોજકોએ જણાવ્યું કે, દિલ્હીવાળા સેન્ટર પર પણ દવાવાળા દિવસે ભારે ભીડ રહેતી હોય છે. જેમાં મેરઠના લોકોનો નંબર નહોતો આવતો. દવા લગાવનારા સલમાન અને અનીસ મેરઠના આયોજકોના સંબંધીઓ છે. એટલા માટે તેમની ખાસ રિક્વેસ્ટ કરાવીને મેરઠમાં પણ બે દિવસીય રવિવાર અને સોમવારનો કેમ્પ રાખવામાં આવ્યો.
આ સ્પેશિયલ કેમ્પના આયોજકોને પણ અનુમાન નહોતું કે આટલી ભીડ આવશે. ટાલની સમસ્યાથી પરેશાન લોકો એક પછી એક આવતા જ ગયા. જોતજોતમાં હોલ બહાર લાંબી લાઈનો લાગી ગઈ. હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. તેના કારણે આયોજકોને પણ વ્યવસ્થા ગોઠવવામાં પરસેવો છૂટી ગયો.
દવા લગાવનારા અનીસ જણાવે છે કે, તેઓ આ સારવાર માટે ખાલી ૨૦ રૂપિયા ચાર્જ કરે છે. બાકી તેલની બોટલ ૩૦૦ રૂપિયામાં અલગથી લેવી પડે છે. અનીસના જણાવ્યા અનુસાર, ઈલાજ કરાવનારા લોકોએ પહેલા માથું મુંડાવું પડે છે, બાદમાં દવા લગાવવામાં આવે છે અને ઘરે જઈને જે રીત જણાવી તે પ્રમાણે નારિયેળ તેલ લગાવાનું હોય છે.
આ વિસ્તારમાં અચાનક એટલી ભીડ જામ થઈ ગઈ કે, ટ્રાફિક જામ સર્જાઈ ગયો. આ દરમ્યાન કેટલાય વાહનો આ જામમાં ફસાઈ ગયા. એક એમ્બ્યુલન્સ પણ આ જામમાં ફસાઈ ગઈ.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
