તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Tuesday, 17th December 2024
ઐતિહાસિક ઘડી! વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂ કરાયું
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરી દીધું; આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર

નવી દિલ્હી : કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે બપોરે લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરી દીધું. આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર છે. ભાજપે વ્હીપ જાહેર કર્યો છે. વહેલી સવારે કોંગ્રેસે તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી.
આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો હતો. જયારે કોંગ્રેસે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનનો સતત વિરોધ કરી રહ્યો છે.
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય.
નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ઘણા મંચો પર 'વન નેશન વન ઇલેક્શન' પર વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, "એક દેશ, એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય છે તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે."
વન નેશન વન ઇલેક્શનને લઈને વિપક્ષ અનેક પ્રકારની દલીલો કરી રહ્યો છે. કોંગ્રેસની દલીલ છે કે જો ચૂંટણી એકસાથે યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થઈ જશે.
વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. કોવિંદની સમિતિમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, જાણીતા વકીલ હરીશ સાલ્વે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, પોલિટિકલ સાઇન્ટિસ્ટ સુભાષ કશ્યપ, ભૂતપૂર્વ કેન્દ્રીય વિજિલન્સ કમિશનર (CVC) સંજય કોઠારી સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેને 18 સપ્ટેમ્બરે મોદી કેબિનેટે મંજૂરી આપી હતી.
કોવિંદ સમિતિએ સૂચન કર્યું કે તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવામાં આવે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકાય છે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર નાગરિક ચૂંટણી યોજાઈ શકે છે. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં, બાકી 5 વર્ષ કાર્યકાળ માટે નવેસરથી ચૂંટણીઓ કરાવી શકાય છે. ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરી શકે છે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે ઉપકરણો, મેન પાવર અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે.
આ માટે સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો. જેમાંથી 32 પાર્ટીઓએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું. જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે 15 પક્ષો એવા હતા જેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. 191 દિવસના સંશોધન પછી, સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો. સમિતિનો અહેવાલ 18 હજાર 626 પાનાનો છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
