News of Tuesday, 17th December 2024
દેશમાં ૨૭૯ જેટલી નદીના ૩૧૧ જેટલા હિસ્સામાં ભારે પ્રદૂષણ : ગુજરાતમાં ૧૩ નદી પ્રદૂષિત
સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા હોય તેવા ૨૫ જેટલા ઔદ્યોગિક એકમો ગુજરાતમાં છે. જેમાંથી ૩ એકમો પર્યાવરણને લગતા કોઈ નિયમોનું પાલન કરતા નથી

નવીદિલ્હી: કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા દેશમાં કરાયેલા અભ્યાસમાં ૨૭૯ જેટલી નદીના ૩૧૧ જેટલા હિસ્સામાં ભારે પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી પ્રદૂષિત નદીઓ સ્વચ્છ કરવાના દાવા થાય છે અને તેની પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારના અબજો રૂપિયા ખર્ચ કરાયો છે. તેમ છતાં ગુજરાતની ૧૩ જેટલી નદીના અનેક હિસ્સામાં ભારે પ્રદૂષણ છે. એટલું જ નહીં, સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા હોય તેવા ૨૫ જેટલા ઔદ્યોગિક એકમો ગુજરાતમાં છે. જેમાંથી ૩ એકમો પર્યાવરણને લગતા કોઈ નિયમોનું પાલન કરતા નથી. જેને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ફક્ત નોટિસ પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ લઈ રહ્યું છે. બે એકમોના સંચાલકોએ જાતે જ બંધ કરી દીધા છે. નદીઓ પ્રદૂષિત હોવાના કારણોમાં સૌથી વધુ શહેરી સહિતના વિસ્તારો દ્વારા નદીઓના પાણીમા ડ્રેનેજ લાઈન અને ઉદ્યોગોના દૂષિત પાણીનો નિકાલ મુખ્ય છે. તે સાથે કિનારા પરના દબાણો અને પ્રદૂષણ સહિતના અન્ય નદીઓના જળને પ્રદૂષિત કરતા સ્તોત્ર પણ જવાબદાર છે.
દેશમાં સૌથી વધુ મહારાષ્ટમા ૫૫ નદીઓમાં પ્રદુષણ, ત્યાર પછી મધ્યપ્રદેશમાં-૧૯, કેરળ-૧૮, કર્ણાટક-૧૭, પશ્ચિમ બંગાળ-૧૩, ગુજરાત-૧૩, તેલંગાણા-૯, છત્તીસગઢ-૬, પંજાબ-૫, આંધ્રપ્રદેશ-૩ અને હરિયાણામાં ૩ નદીઓ પ્રદૂષિત છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
