News of Wednesday, 18th December 2024
આપ નેતા સંજય સિંહ નવી મુશ્કેલીમાં ફસાયા:ગોવાના સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો
‘કેશ ફોર જોબ્સ’ પર નિવેદન મુદ્દે ગોવાની કોર્ટમાં અરજી દાખલ કરી 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો : કોર્ટે આપના સાંસદને નોટિસ ફટકારી

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ નવી મુશ્કેલીમાં ફસાયા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્નીએ ‘કેશ ફોર જોબ્સ’ પર નિવેદન મુદ્દે ગોવાની કોર્ટમાં અરજી દાખલ કરી 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જે મુદ્દે કોર્ટે આપના સાંસદને નોટિસ ફટકારી છે. સાવંતની પત્નીએ ‘કેશ ફોર જોબ્સ’ કૌભાંડમાં કથિત રીતે નામ આપવા બદલ સંજય સિંહ પર માનહાનિનો કેસ કર્યો છે.
ગોવાની કોર્ટે સંજય સિંહને 10 જાન્યુઆરી-2025 સુધીમાં નોટિસનો જવાબ આપવા કહ્યું છે. સંજય સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંત પર કથિત રીતે આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ સુલક્ષણા સાવંતે ઉત્તર ગોવાના બિચોલિમની સિવિલ કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.
બિચોલિમ સિવિલ કોર્ટે મંગળવારે કેસની સુનાવણી હાથ ધરી સંજય સિંહને નોટિસ ફટકારી છે. સુલક્ષણાએ કોર્ટેને વિનંતી કરી છે કે, ‘કોર્ટ તેમને માનહાનિકારક નિવેદન આપવા બદલ માફી પત્ર પ્રકાશિત કરવા સૂચના આપે. આ માફીપત્રમાં સ્પષ્ટ હોવું જોઈએ કે, તેમને કરેલા નિવેદનો ખોટા છે અને તથ્યો પર આધારિત નથી. સંજય સિંહે નિવેદન માટે બિનશરતી માફી માંગવી જોઈએ.’
અરજદારે કોર્ટને એવી પણ વિનંતી કરી છે કે, ‘સંજય સિંહને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને બદનામ કરતા જાહેર નિવેદનો આપવાનું બંધ કરવા આદેશ આપે.’ વાસ્તવમાં ગોવામાં અનેક ઉમેદવારોએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સરકારી નોકરી આપવાનું વચન કરનારા લોકોને લાખો રૂપિયા આપવા મજબૂર થયા હતા. આ ફરિયાદ પર પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, રાજ્યની પોલીસ કથિત કેશ ફોર જોબ કૌભાંડની તપાસ કરી રહી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
