<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રૂસમાં ૯/૧૧ જેવો હુમલો : ૬ ઇમારતો સાથે ટકરાયું ડ્રોન

રૂસનાં કઝાન શહેર નિશાના ઉપર : યુક્રેને હુમલો કર્યાની આશંકા : વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર પર હુમલાની યાદ તાજી થઇ : સમગ્ર વિશ્‍વ સ્‍તબ્‍ધ : ૩ ગગનચુંબી ઇમારતો સાથે ટકરાયા ૮ ડ્રોન : ભયાનક ધડાકા : આગ : તબાહી : મૃત્‍યુઆંક : નુકસાનીની વિગતો હજુ જાહેર થઇ નથી : કઝાનમાં જ તાજેતરમાં બ્રિકસ સંમેલન યોજાયું હતું

મોસ્‍કો, તા.૨૧: રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ સતત વધી રહયું છે. તાજેતરના હુમલામાં યુક્રેનની સેનાએ રશિયાના કઝાન શહેરમાં વિસ્‍ફોટકોથી ભરેલા ડ્રોન વડે જોરદાર હુમલો કર્યો છે. કહેવામાં આવી રહયું છે કે યુક્રેનના ૮ વિસ્‍ફોટક ડ્રોન વિમાનોએ રશિયાના કઝાન શહેરમાં હુમલો કર્યો. આ એ જ શહેર છે જ્‍યાં તાજેતરમાં બ્રિક્‍સ દેશોની શિખર બેઠક યોજાઈ હતી અને ભારતના પીએમ મોદી સહિત વિશ્વના ઘણા નેતાઓ પહોંચ્‍યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ ઇમારતોને વ્‍યાપક નુકસાન થયું છે. સ્‍થાનિક સરકારનું કહેવું છે કે તમામ ઉદ્યોગોના કામદારોને બહાર કાઢીને અસ્‍થાયી કેમ્‍પમાં રાખવામાં આવ્‍યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્‍યો છે. કઝાન શહેરમાં જે હુમલો થયો છે તેણે દુનિયાને અમેરિકાના ઈતિહાસના સૌથી ભયાનક ૯/૧૧ હુમલાની યાદ અપાવી દીધી છે. રશિયાના કઝાન શહેરમાં સીરીયલ ડ્રોન (યુએવી) હુમલા કરવામાં આવ્‍યા છે. આ હુમલા કઝાન શહેરની ત્રણ બહુમાળી ઈમારતોમાં થયા હતા. હુમલાને કારણે મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્‍યું છે. જોકે, રશિયાનું કહેવું છે કે તેમણે એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે.

રશિયન સમાચાર એજન્‍સી તાસના અહેવાલ મુજબ યુક્રેનના ડ્રોન હુમલામાં તાતારસ્‍તાન પ્રાંતની રાજધાનીમાં ૬ ઈમારતોને નુકસાન થયું છે. આ હુમલા બાદ લોકોને ત્‍યાંથી પણ બહાર કાઢીને સલામત સ્‍થળે લઈ જવામાં આવ્‍યા હતા. લોકલ ઓથોરિટીએ લોકોને ભોજન અને કપડા પૂરા પાડયા છે. આ પહેલા શુક્રવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર બેલેસ્‍ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં એક વ્‍યક્‍તિનું મોત થયું હતું અને નવ અન્‍ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બીજી તરફ રશિયાએ કહયું કે યુક્રેનના હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. 

રશિયામાંથી બહાર આવી રહેલી માહિતી પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ઈમારતોમાં રહેવાસીઓ રહેતા હતા. તેથી આ હુમલામાં જાનહાનિ થવાની શકયતા નકારી શકાતી નથી. જો કે હજુ સુધી કોઈના મોત અંગે કોઈ માહિતી સામે આવી નથી. અન્‍ય હુમલાની સંભાવનાને કારણે, સાવચેતીના ભાગરૂપે નજીકની ઊંચી ઇમારતોને પણ ખાલી કરાવવામાં આવી છે. તે જ સમયે, રશિયાના કઝાન શહેરના એરપોર્ટ પર ફ્‌લાઇટ્‍સ પણ બંધ કરી દેવામાં આવી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાનો જવાબ આપ્‍યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ કઝાન શહેર ઉપર યુક્રેનના એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે. તે જ સમયે, રશિયન મીડિયા એજન્‍સી સ્‍પુટનિકને કઝાનના મેયર કાર્યાલય તરફથી કહેવામાં આવ્‍યું છે કે ડ્રોન હુમલાના કારણે, સોવેત્‍સ્‍કી, કિરોવસ્‍કી અને પ્રીવોલ્‍ઝસ્‍કી ત્રણ જિલ્લાઓમાં ઘરોમાં આગ લાગી છે. ડ્રોન હુમલાને કારણે જે ઈમારતોમાં આગ લાગી છે ત્‍યાં ઓપરેશનલ સેવાઓ ચાલુ છે. જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. બિલ્‍ડિંગમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને રહેવા માટે ખોરાક અને આશ્રય આપવામાં આવી રહયો છે.

કાઝાન શહેર પર થયેલા આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે ૨૦૨૪માં રશિયાના આ શહેરમાં બ્રિક્‍સ સંમેલન યોજાયું હતું. આ વખતે, કઝાનમાં આયોજિત ૧૬મી બ્રિક્‍સ સંમેલનમાં પ્રથમ વખત સંયુક્‍ત આરબ અમીરાત, ઈરાન, ઈજિપ્‍ત અને ઈથોપિયાને સભ્‍ય તરીકે સામેલ કરવામાં આવ્‍યા હતા. આ હુમલાને અમેરિકામાં ૯/૧૧ (વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર) હુમલા જેવો જ ગણાવવામાં આવી રહયો છે.

કિવમાં સૂર્યોદય પહેલા ઓછામાં ઓછા ત્રણ વિસ્‍ફોટો સાંભળવામાં આવ્‍યા હતા. મિસાઈલ હુમલાથી ત્રણ જિલ્લામાં નુકસાન અને આગ લાગી હતી. શહેર પ્રશાસને આ માહિતી આપી. વહીવટીતંત્રે કહયું કે હુમલામાં ૬૩૦ રહેણાંક ઇમારતો, ૧૬ મેડિકલ સેન્‍ટરો અને ૩૦ શાળાઓને નુકસાન થયું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહયું કે આ હુમલો બે દિવસ પહેલા રોસ્‍ટોવ સરહદી વિસ્‍તારમાં યુક્રેનિયન મિસાઈલ હુમલાના જવાબમાં કરવામાં આવ્‍યો હતો. રશિયાના જણાવ્‍યા અનુસાર, યુક્રેને આ હુમલામાં યુએસ નિર્મિત છ ‘આર્મી ટેક્‍ટિકલ મિસાઈલ સિસ્‍ટમ' મિસાઈલો અને યુકેની ચાર ‘સ્‍ટોર્મ શેડો એર-લોન્‍ચ્‍ડ' મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો.

(3:24 PM IST)