<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્‍ચાર... બંધારણના શપથ લઈને કર્યા અનોખા લગ્ન

છત્તીસગઢ એક યુવક-યુવતીએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર અનોખી રીતે લગ્ન કર્યા

રાયપુર, તા.૨૩: ધામધૂમથી લગ્ન કરવા એ દરેકનું સપનું હોય છે. લોકો પોતાના લગ્નને યાગદાર બનાવવા માટે ખૂબ મોટા આયોજન કરે છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. લગ્નને જન્‍મ-જનમનું અતૂટ બંધન માનવામાં આવે છે. એટલે લગ્નની ઉજવણી ભવ્‍ય હોય તેવી ઈચ્‍છા છોકરા અને છોકરી બંનેની હોય છે. પરંતુ  છત્તીસગઢમાં એક અનોખા લગ્ન ચર્ચાનું કારણ બન્‍યા છે. અહીં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એક કપલે અનોખા લગ્ન કર્યાં છે, જે ખૂબ ચર્ચાનું કારણ બન્‍યા છે.

લગ્નના અતૂટ બંધનમાં બંધાવા દરેક વ્‍યક્‍તિ, પછી ભલે તે કોઈપણ સમાજનો હોય, તેમના ધર્મ અને રીતરિવાજો અનુસાર લગ્ન કરે છે, જેમાં લોકો લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ આ યુગલના લગ્ન એક અનોખા હતા જેમાં બંનેમાંથી કોઈએ ન અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા, ન તો કાઝી  કે પૂજારીને બોલાવ્‍યા. ન તો આ કપલે કોર્ટમાં જઈને લગ્ન કર્યાં છે. તેવામાં આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.

હકીકતમાં આ લગ્નમાં યુવક-યુવતીએ બંધારણના શપથ લઈ ગુરૂ ધાસીદાસ જયંતિના દિવસે લગ્ન કર્યાં છે. આ અનોખા લગ્નમાં ન સાત ફેરા થયા ન બેંડવાજા અને ન કોઈ મંત્રોચ્‍ચાર... કારણ કે આ લગ્ન સામાન્‍ય રીતે વરમાળા પહેરાવી બંધારણ નિર્માતા બાબા સાહેબ આંબેડકરના ચિત્રની સામે બંધારણના શપથ લઈને સંપન્‍ન થયા છે.

કાપૂમાં આયોજીત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આ કપલે પોતાના લગ્નનો પ્રસ્‍તાવ રાખ્‍યો હતો. ત્‍યારબાદ તેની ઈચ્‍છા અનુસાર ભારતના બંધારણના શપથ લઈને બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. આ અનોખા લગ્નમાં વર-કન્‍યાના માતા-પિતા સાથે સમાજના લોકોએ પણ હાજરી આપી અને પ્રસન્‍નતા વ્‍યક્‍ત કરતા બંનેને આશીર્વાદ આપ્‍યા હતા. આ લગ્ન કપૂ ગામના યમન લહરે અને પ્રતિમા માહેશ્વરી વચ્‍ચે થયા છે. તેણે સાત ફેરા લેવાની જગ્‍યાએ બંધારણના શપથ લઈને લગ્ન કર્યાં છે.

(10:25 AM IST)