<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નહીં બને કારણ કે તેમની પાસે રાષ્ટ્રપતિ બનવાનો બંધારણીય અધિકાર નથી, કારણ કે મસ્કનો જન્મ અમેરિકામાં થયો નથી : ડોનાલ્ડ ટ્રમ્પ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા સમર્થક એલોન મસ્કને પણ તેમની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે અમેરિકાની નવી સરકારમાં વાસ્તવિક સત્તા એલોન મસ્કના હાથમાં હશે. જેના પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી

ન્યૂયોર્ક તા.૨૩ : ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદથી હેડલાઇન્સમાં છે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટના સભ્યોની પસંદગી કરી લીધી છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા સમર્થક એલોન મસ્કને પણ તેમની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નવી સરકારમાં વાસ્તવિક સત્તા એલોન મસ્કના હાથમાં હશે. જેના પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.

એરિઝોનામાં એક ફેસ્ટિવલ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "એલોન મસ્ક ખૂબ જ આશાસ્પદ અને મહેનતુ વ્યક્તિ છે". પરંતુ નવી અમેરિકન સરકારમાં તેમની પાસે વાસ્તવિક સત્તા નહીં હોય. આગામી ચૂંટણીમાં મસ્કના અમેરિકી રાષ્ટ્રપતિ બનવાના ચાન્સ અંગે ટ્રમ્પે કહ્યું કે, "મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નહીં બને કારણ કે તેમની પાસે રાષ્ટ્રપતિ બનવાનો બંધારણીય અધિકાર નથી, કારણ કે મસ્કનો જન્મ અમેરિકામાં થયો નથી."

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું, 'મને સ્માર્ટ લોકો ગમે છે. એલોન મસ્કએ સરસ કામ કર્યું છે. મને વિશ્વાસપાત્ર લોકોની જરૂર છે જે સ્માર્ટ પણ હોય. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે આ દેશમાં જન્મ લેવો જરૂરી છે.

ટ્રમ્પનું નિવેદન ડેમોક્રેટ્સની ટીકા બાદ આવ્યું  

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ડેમોક્રેટ્સની ટીકા બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમેરિકાની નવી સરકારમાં ઇલોન મસ્કની ભૂમિકા ટ્રમ્પ કરતા મોટી હશે. તેના પર ટ્રમ્પે કહ્યું, 'આ બધુ ડેમોક્રેટ્સની યુક્તિ છે. તે સંદેશ આપવા માંગે છે કે નવી સરકારની વાસ્તવિક શક્તિ મસ્ક પાસે હશે. પરંતુ મસ્ક રાષ્ટ્રપતિ બનવાના નથી, હું સુરક્ષિત છું.

એલોન મસ્કે ટીકાઓ વિશે શું કહ્યું ?

ડેમોક્રેટ્સ તરફથી થઈ રહેલી ટીકાને લઈને ઈલોન મસ્કે સ્પષ્ટ કહ્યું કે તેમનો ટેકો શરૂઆતથી જ ડોનાલ્ડ ટ્રમ્પને રહ્યો છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેઓ અમેરિકાને ફરી એક મહાન દેશ બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા એલન મસ્ક ફોર્બ્સ મેગેઝિન અનુસાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વધુ સમર્થક હતા. તેણે જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન અને પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) ની જવાબદારી સોંપી છે.

(4:54 PM IST)