<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

ફિલિપાઈન્સએ જિનપિંગની ચિંતા વધારી : અમેરિકન મિસાઈલ તૈનાત કરવાની તૈયારી

-ફિલિપાઈન્સના નિર્ણયથી ચીન ભડક્યું :ચીનના અધિકારીએ કહ્યું કે, તેના આ નિર્ણયના કારણે તણાવ વકરશે.

ફિલિપાઈન્સે ચીનને અડીને આવેલી સરહદ તરફ મિસાઈલ તહેનાત કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત તેણે અનેક હથિયારો પણ ખરીદવાની તેમજ સૈનિકોને તાલીમ આપવાની પણ રણનીતિ શરૂ કરી દીધી છે. હાલ ફિલિપાઈન્સે સરહદ પર અમેરિકન મીડિયમ રેન્જની મિસાઈલ ટાઈફાન તહેનાત કરવાની યોજના બનાવી છે. બીજીતરફ આ મામલે ચીન તરફથી પ્રતિક્રિયા આવી છે અને તે મિસાઈલ તહેનાત કરવાના નિર્ણયથી ભડક્યું છે.

ફિલિપાઈન્સના નિર્ણય વિરુદ્ધનું ચીનના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, તેના આ નિર્ણયના કારણે તણાવ વકરશે. ફિલિપાઈન્સના ટોચના સૈન્ય અધિકારીએ સોમવારે મનીલામાં કહ્યું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથે વધી રહેલા તણાવના કારણે અમારી સેના મીડિયમ રેન્જની મિસાઈલ ખરીદવાની યોજના બનાવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ રાય ગેલિડોએ કહ્યું કે, હા સાચી વાત છે, અમે આવી યોજના બનાવી રહ્યા છીએ.

અમેરિકાએ એપ્રિલમાં ઉત્તર ફિલિપાઈન્સમાં પોતાની મીડિયમ રેન્જની મિસાઈલ સિસ્ટમ ટાઈફાન તહેનાત કરી હતી. આ ઉપરાંત બંને દેશોની સેનાઓ આ હથિયારના સંભવિત ઉપયોગ માટે તાલીમ લઈ રહ્યા છે. ચીન અમેરિકા દ્વારા કરાતી સૈન્ય મદદનો હંમેશા વિરોધ કરતો રહ્યો છે. આ જ ક્રમમાં તેણે બંને દેશોની તાલીમનો પણ વિરોધ કર્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ‘ફિલિપાઈન્સ દ્વારા હથિયારો તહેનાત કરવાના નિર્ણયથી ઘર્ષણ અને વિવાદ વધશે, તેમજ હથિયારોની હોડ ઝડપી થશે.

બીજીતરફ ફિલિપાઈન્સના લેફ્ટનન્ટ જનરલ રૉય ગૈલિડોએ કહ્યું કે, ‘અમારી સેનાએ માત્ર અમેરિકા પાસેથી જ નહીં અન્ય મિત્ર દેશો પાસેથી પણ હથિયારો ખરીદવાની યાદી બનાવવા પર કામ કરી રહી છે. આ હથિયારો મેળવવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે, ફિલિપાઇન્સ જરૂરી નથી કે ટાઈફોન સિસ્ટમ ખરીદે.

(12:33 AM IST)