<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

મહાકુંભમાં પહેલી વાર અંડરવોટર ડ્રોનનો ઉપયોગ થશે, કોઈને ડૂબવા નહીં દે

ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે અન્ડરવૉટર ડ્રોનની વ્યવસ્થા : ૭૦૦ જેટલી બોટ પર સુરક્ષા કર્મચારીઓ ૨૪ કલાક તહેનાત રહેશે.

પ્રયાગરાજ:  મહાકુંભમેળાના સ્થળે આવનાર આશરે ૩૫ કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે અન્ડરવૉટર ડ્રોનની વ્યવસ્થા કરી છે, જે ૨૪ કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે. આમ સંગમ સ્થળે કોઈપણ ડૂબી રહેલી વ્યક્તિને બચાવી શકાશે. આ ડ્રોન ૧૦૦ મીટર ઊંડા પાણીમાં પણ કામ કરવામા સક્ષમ રહેશે. આ ડ્રોન અસીમિત અંતર સુધી કામ કરી શકશે. ઇમરજન્સીમાં તરત કાર્યવાહી કરવા માટે આ ડ્રોન ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટરને જાણકારી અને એલર્ટ કરશે. મહાકુંભમાં આવનાર ભાવિકો માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત પોલીસોની ટીમો ખડે પછી હાજર રહેશે. ૭૦૦ જેટલી બોટ પર સુરક્ષા કર્મચારીઓ ૨૪ કલાક તહેનાત રહેશે. રીમોટ ઓપરેટેડ લાઈફબોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે તાકીદની પરિસ્થિતિમાં સહાયતા પહોંચાડી શકશે.


 

(12:32 AM IST)