<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

દિલ્‍હીના લોકોએ ઓર્ડર કર્યા ૬૦ કરોડના નૂડલ્‍સ, ૧ કલાકમાં મંગાવી ૪૫૦૦ કિલો ડુંગળી !

ઇન્‍સ્‍ટામાર્ટે એક રિપોર્ટ જાહેર કર્યો છે : આ રિપોર્ટમાં તેણે જણાવ્‍યું કે, ભારત અને મોટા શહેરોમાં લોકોએ વર્ષ ૨૦૨૪માં શું શું સામાન મંગાવ્‍યો હતો

નવી દિલ્‍હી, તા.૨૮: ઓનલાઇન વસ્‍તુઓ મંગાવવી આજકાલ ખૂબ સરળ થઈ ગઈ છે. લોકો ઘરે બેઠા આંગળીના ટેરવે ઘરનો તમામ સમાન મંગાવી લે છે. ઓનલાઇન ડિલિવરી એપ્‍સના કારણે આ કામ વધુ સરળ થઈ ગયું છે. સ્‍વિગી નામની ફૂડ ડિલિવરી કંપનીએ પણ પોતાનું ઓનલાઇન ઈ-કોમર્સ પોર્ટલ, ઇન્‍સ્‍ટામાર્ટ લોન્‍ચ કર્યું હતું. જેની મદદથી લોકો ઘર બેઠા રાશન પણ મંગાવી શકે છે. હાલમાં જ ઇન્‍સ્‍ટામાર્ટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તેણે જણાવ્‍યું કે, ભારત અને મોટા શહેરોમાં લોકોએ વર્ષ ૨૦૨૪માં શું શું સામાન મંગાવ્‍યો હતો. શોપિંગ આ ડેટા ૧ જાન્‍યુઆરીથી ૧ ડિસેમ્‍બર સુધીનો છે.

અહેવાલ મુજબ આ વર્ષે ભારતમાં અને ઘણા મોટા શહેરોમાં લોકોએ ઘણી ખરીદી કરી છે. આ શોપિંગ ડેટા પોતાનામાં જ અદ્ભુત છે. એક એવું શહેર છે જ્‍યાં લોકોએ એક વર્ષમાં ૬૦ કરોડ રૂપિયાના ઇન્‍સ્‍ટન્‍ટ નૂડલ્‍સ ખાધા એટલે કે એક વર્ષમાં ઇન્‍સ્‍ટામાર્ટમાંથી ૬૦ કરોડ રૂપિયાના ઇન્‍સ્‍ટન્‍ટ નૂડલ્‍સનો ઓર્ડર આપ્‍યો. આ શહેર દેશની રાજધાની દિલ્‍હી છે. બટાકાની મોટાભાગની ચિપ્‍સ દિલ્‍હીમાં જ મંગાવવામાં આવી છે.

જો ડુંગળીની વાત કરીએ તો આ યાદીમાં મુંબઈનું નામ સૌથી ઉપર છે. આ પછી હૈદરાબાદ અને દિલ્‍હીનું નામ પણ આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૧ ડિસેમ્‍બરે ઇન્‍સ્‍ટામાર્ટના ગ્રાહકોએ સાંજે ૭ થી ૮ વાગ્‍યાની વચ્‍ચે જ ભારતભરમાં ૪૫૦૦ કિલો ડુંગળીનો ઓર્ડર આપ્‍યો હતો. મુંબઈવાસીઓએ માત્ર ૧ દિવસમાં ૮ લાખ રૂપિયાના ટોનિક વોટરનો ઓર્ડર આપ્‍યો.

સ્‍વિગી ઇન્‍સ્‍ટામાર્ટે તેના અહેવાલમાં જણાવ્‍યું હતું કે આ વર્ષે સૌથી વધુ ઓર્ડર કરાયેલ ૫ વસ્‍તુઓમાં દૂધ, દહીં, ઢોસા, ચિપ્‍સ અને ઠંડા પીણાનો સમાવેશ થાય છે. ૧૫ માંથી ૧ ઓર્ડરમાં ૧ પેકેટ દૂધનો સમાવેશ થાય છે. ૫ માંથી ૧ ઓર્ડરમાં ફળ અથવા શાકભાજીનો સમાવેશ થાય છે. ૨૦૨૪ માં રક્ષાબંધનના દિવસે, લોકો દ્વારા અન્‍ય લોકો માટે ૨,૮૫,૦૦૦ ઓર્ડર આપવામાં આવ્‍યા હતા અને ૧ મિનિટમાં ૨૭૩ ચોકલેટનો ઓર્ડર આપવામાં આવ્‍યો હતો. આશ્‍ચર્યની વાત એ છે કે ધનતેરસના દિવસે દેશમાં ૪૫,૦૦,૦૦૦ ઝાડુ મંગાવવામાં આવ્‍યા હતા. રક્ષાબંધનના દિવસે જ ૮ લાખ રાખડીઓ મંગાવવામાં આવી હતી

(12:18 PM IST)