<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પરભણીમાં હૃદયદ્રાવક ઘટના :ત્રીજી પુત્રીને જન્મ આપનાર પત્નીએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી

પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપીને તેને જીવતી સળગાવી: પત્ની પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી :એક વ્યક્તિ ચાદર લઈને તેને બચાવવા માટે આગળ આવ્યો જો કે ત્યાં સુધીમાં કુંડલિકની પત્નીનું અડધુ શરીર સળગી ગયું

મહારાષ્ટ્રના પરભણીમાં એક હ્રદયદ્રાવક ઘટના આ બાબતનું ઉદાહરણ છે. હકીકતમાં એક મહિલાએ ત્રીજી વખત દીકરીને જન્મ આપતાં ઉશ્કેરાયેલા પતિએ તેને આગને હવાલે કરી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કુંડલિક કાલે નામનો વ્યક્તિ પોતાની પત્ની મેના કાલે અને બે પુત્રીઓ સાથે પરભણીના ફ્લાય ઑવર વિસ્તારમાં રહેતો હતો. તાજેતરમાં જ તેની પત્નીએ ત્રીજી દીકરીને જન્મ આપ્યો હતો. કુંડલિકને પહેલાથી બે દીકરી હતી અને ફરીથી પત્નીની કુખે દીકરીએ જન્મ લેતા તે સતત ગુસ્સામાં રહેતો હતો. આ બાબતને લઈને કુંડલિક પોતાની પત્ની સાથે સતત મારઝૂડ પણ કરતો હતો.

 

ગત ગુરુવારે સાંજે 8 વાગ્યાની આસપાસ ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપીને તેને જીવતી સળગાવી દીધી હતી. જો કે પત્ની પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી હતી. આ દરમિયાન એક વ્યક્તિ ચાદર લઈને તેને બચાવવા માટે આગળ આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં કુંડલિકની પત્નીનું અડધુ શરીર સળગી ગયું હતુ.

આ ઘટના બાદ તાત્કાલિક પરિણીતાને સારવાર અર્થે પરભણી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. હાલ તો પરભણી પોલીસે મૃતકની બહેનની ફરિયાદના આધારે કુંડલિક કાલે વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. હાલ તો પોલીસે આરોપીની પૂછપરછ કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:09 PM IST)