News of Sunday, 29th December 2024
હવે નેપાળના કાઠમંડુમાં હવામાં હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા ઇમરજન્સી લેન્ડિંગ: એક જ દિવસમાં ચોથી હવાઈ દુર્ઘટના

(નેપાળ) કાઠમંડુ: ત્રણ-ત્રણ હવાઈ દુર્ઘટનાના પગલે હવે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક પક્ષી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ પછી હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
પ્રથમ હવાઈ દુર્ઘટનામાં આજે સવારે 9 વાગ્યે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર સવારે લેન્ડિંગ કરતા પહેલા ૧૮૧ મુસાફરો સાથે ઉડી રહેલા વિમાન સાથે પક્ષી અથડાયું હતું. આ પછી, એરપોર્ટ પર ઉતરતી વખતે લેન્ડિંગ ગિયર ન ખુલવાને કારણે, દિવાલની ફેન્સિંગ સાથે અથડાઈ પ્લેનમાં વિસ્ફોટ થયો જેમાં ૧૭૯ લોકોના મોત થયા અને બે બચી ગયા હતા
આ પછી, કેનેડાના એક એરપોર્ટ પર ઉતરતી વખતે, પ્લેનની ડાબી પાંખ અચાનક બાજુ તરફ વળી ગઈ અને રનવે પર ધસવા લાગી. જેના કારણે વિમાનની પાંખમાં આગ લાગી હતી. આ બીજી હવાઈ દુર્ઘટના માં ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પછી બોઈંગ ૭૩૭-૮૦૦ એરક્રાફ્ટ, જે ઓસ્લો એરપોર્ટથી એમ્સ્ટરડેમ તરફ જઈ રહ્યું હતું તેમાં ટેકઓફના થોડા સમય બાદ હાઈડ્રોલિક સિસ્ટમ્સમાં ખામી સર્જાતાં પ્લેનને તાત્કાલિક ઓસ્લોથી ૧૧૦ કિલોમીટર દક્ષિણમાં સ્થિત સેન્ડફિઓર્ડ એરપોર્ટ પર લેન્ડ કરવું પડેલ જેમાં સુરક્ષિત ઉતરાણ છતાં, વિમાન રનવે પરથી સરકી ગયું અને નજીકમાં ઘાસમાં જઈને અટકી ગયું. આ ત્રીજી દુર્ઘટનામાં જોકે કોઈ જાનહાની થઈ ન હતી.
હવે આજની ચોથી હવાઈ દુર્ઘટનામાં નેપાળ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં કાઠમંડુમાં તમામને બચાવી લેવામાં આવેલ છે. આજે રવિવારે નેપાળની રાજધાની કાઠમંડુ જઈ રહેલા પાંચ અમેરિકન નાગરિકો સાથેના હેલિકોપ્ટરને પક્ષી સાથે અથડાતા રાજધાનીથી ૫૦ કિલોમીટર પૂર્વમાં બનેપા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ખાનગી હેલી એવરેસ્ટ એરલાઈન્સનું ૯ એન-એકેજી હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટના પ્રવેશદ્વાર લુકલાથી આવી રહ્યું હતું, જ્યારે તે સવારે ૧૧ વાગ્યે પક્ષી સાથે અથડાયું. અધિકારીએ જણાવ્યું કે પાયલટ હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહ્યો. એરલાઈન્સના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં પાંચ અમેરિકન નાગરિકો અને એક નેપાળી પાઈલટ સવાર હતા. જો કે હેલિકોપ્ટરને પણ કોઈ નુકસાન થયું નથી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
