News of Sunday, 29th December 2024
6 પ્લેન દુર્ઘટનામાં 234 લોકોના મોત: વર્ષ 2024નો છેલ્લો મહિનો હવાઈ મુસારો માટે દર્દનાક!
ડિસેમ્બર મહિનો ફ્લાઇટ માટે બન્યો કાળ

આજે દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઇને જતું જેજુ એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. નવા વર્ષના આગમન પહેલા ડિસેમ્બર 2024નો મહિનો એરલાઇન્સ માટે આંચકાથી ઓછો રહ્યો નથી. આ મહિને અત્યાર સુધીમાં 6 મોટા વિમાન અકસ્માતો થયા છે, જેમાં કુલ 234 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં હવે એવિએશન સેક્ટરમાં સેફ્ટી પ્રોટોકોલ અને ટેકનિકલ સમસ્યાઓને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ ખાતે વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને સુરક્ષા કર્મચારીઓએ કાટમાળમાંથી જીવતા બહાર કાઢ્યા છે.. બેંગકોકથી પરત ફરી રહેલા આ પ્લેનનું લેન્ડિંગ સમયે ગિયર નહોતું ખુલ્યું, જેના કારણે તે રનવે પરથી લપસી ગયું અને કોંક્રીટની વાડ સાથે અથડાયું. વાડ સાથે અથડાયા બાદ પ્લેનમાંથી આગનો મોટો ગોળો બહાર આવ્યો, જેના કારણે પ્લેન રાખના ઢગલામાં ફેરવાઈ ગયું. બચાવ કામગીરી માટે 32 ફાયર એન્જિન અને હેલિકોપ્ટર ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. લેન્ડિંગ ગિયર કેમ ન ખુલ્યું તેની તપાસ ચાલી રહી છે.
અગાઉ, 25 ડિસેમ્બર 2024 ના રોજ, અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેર ERJ-190AR કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. આ પ્લેન બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું. ટેક્નિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે તેને ડાયવર્ટ કરવી પડી હતી. ગ્રોઝની એરપોર્ટ પર ઉતરવાના અનેક પ્રયાસો બાદ પ્લેન અક્તાઉ એરપોર્ટ પાસે જમીન સાથે અથડાયું હતું. તેમાં 67 મુસાફરો સવાર હતા. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ દુર્ઘટના બહારની દખલગીરીને કારણે થઈ છે.
22 ડિસેમ્બરના રોજ, દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં એક પરિવારના દસ સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ પ્લેન ઉડાવી રહેલા બ્રાઝિલના બિઝનેસમેન લુઈઝ ક્લાઉડિયો ગેલેઝીનું તેની પત્ની, ત્રણ પુત્રીઓ અને અન્ય સંબંધીઓ સાથે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લેન્ડિંગ સમયે પ્લેન ઈમારતની ચીમની, ઘર અને દુકાન સાથે અથડાયું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં તે સ્થળે જમીન પર હાજર 17 લોકો ઘાયલ થયા હતા.
નોર્થ કોસ્ટ એવિએશન દ્વારા સંચાલિત બ્રિટન-નોર્મન BN-2B-26 આઇલેન્ડર, 22 ડિસેમ્બરે પાપુઆ ન્યુ ગિનીમાં ક્રેશ થયું, જેમાં સવાર તમામ પાંચ લોકો માર્યા ગયા. આ એરક્રાફ્ટ વાસુ એરપોર્ટથી લા-નદઝાબની ચાર્ટર ફ્લાઇટ પર હતું. બીજા દિવસે આ વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો, પરંતુ કોઈ બચ્યું ન હતું. આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે.
બોમ્બાર્ડિયર BD-100-1A10 ચેલેન્જર 300 સાન ફર્નાન્ડો એરપોર્ટ, આર્જેન્ટિનાની નજીક ક્રેશ થયું, જેમાં બંને પાઇલટ માર્યા ગયા. પ્લેન પુન્ટા ડેલ એસ્ટે એરપોર્ટથી સાન ફર્નાન્ડો જઈ રહ્યું હતું. લેન્ડિંગ કર્યા પછી, પ્લેન રનવેથી બહાર નીકળી ગયું અને વાડ સાથે અથડાયું, જેના કારણે પ્લેનમાં આગ લાગી. વિમાનની ડાબી બાજુ ફાટી ગઈ હતી અને પાઈલટ આગમાં મૃત્યુ પામ્યા હતા.
કામકા એર એલએલસી દ્વારા સંચાલિત કામકા એયર સેસના 208 કારવાં ફ્લાઇટ, હોનોલુલુમાં ડેનિયલ કે. ઇનૌયે ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં બંને પાઇલટ માર્યા ગયા હતા. ATC કોમ્યુનિકેશન્સ અનુસાર, વિમાને ટેકઓફ કર્યા પછી તરત જ નિયંત્રણ ગુમાવ્યું અને એક બિલ્ડિંગ સાથે અથડાયું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ટ્રેનિંગ દરમિયાન બની હતી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
