News of Monday, 30th December 2024
ઇથોપિયામાં જોરદાર અકસ્માત : ૬૬ લોકોને કાળ ભરખી ગયો
ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

લંડન, તા.૩૦: ઇથોપિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં આ અકસ્માત થયો હતો. સિદામા પ્રાદેશિક આરોગ્ય બ્યુરોએ ફેસબુક પર આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી પરંતુ તેમણે જણાવ્યું છે કે આ એક કાર દુર્ઘટના હતી જેમાં ૬૬ લોકોના મોત થયા ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
બ્યુરોના જણાવ્યા અનુસાર, આ ઘટના બોના ઝુરિયા વોરેડામાં ગેલાના બ્રિજની પૂર્વ બાજુએ બની હતી. એમ પણ કહયું કે ચાર ઘાયલ મુસાફરો બોના જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હેલ્થ બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં મોટી સંખ્યામાં લોકો આ કારની આસપાસ દેખાય છે, જે આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ છે. અને ઘણા લોકો તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહયા છે.
બ્યુરો દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસવીરોમાં મળતદેહો તાડપત્રીથી ઢંકાયેલા જમીન પર પડેલા જોવા મળે છે. બ્યુરોએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ અકસ્માત અંગે એમ પણ કહયું હતું કે તેઓ આ અંગે વધુ માહિતી પછીથી શેર કરશે.
આફ્રિકના બીજા સૌથી મોટી આબાદી ધરાવતા દેશ ઇથપિયામાં માર્ગ અકસ્માતોની ઘટના સામાન્ય છે. ત્યાં મોટા ભાગના રસ્તાઓની પરિસ્થિથી ખરાબ છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
