News of Monday, 30th December 2024
સરકાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને અન્ય યોજનાઓ પર વ્યાજ દર વધારીને લોકોને વધુ બચત કરવા પ્રોત્સાહિત કરી શકે છે
નાની બચત યોજનાઓ પર આ વખતે વ્યાજ દર વધી શકે છે

નવી દિલ્હી, તા.૩૦: જે લોકો નાની બચત યોજનાઓમાં વ્યાજમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે તેમને આ વખતે થોડી રાહત મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને અન્ય યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરીને લોકોને વધુ બચત કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
નિષ્ણાતોના મતે મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવા માટે સરકાર આ યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી શકે છે. દેશની જીડીપી વધારવા માટે સરકાર મૂડી ખર્ચ વધારવા પર ભાર આપી રહી છે. આ યોજનાઓમાંથી સરકારને મોટી રકમ મળે છે. વધેલા દરો લોકોને આ યોજનાઓમાં પૈસા જમા કરાવવા માટે પ્રેરિત કરશે.
નિષ્ણાતોના મતે, મોટી સંખ્યામાં નિવૃત્ત લોકો આ યોજનાઓમાં રોકાણ કરે છે. નાના બચતકારોને ફાયદો પહોંચાડવા માટે સરકાર પર વ્યાજદર વધારવાનું દબાણ છે. ઘરેલું બચતને પ્રોત્સાહિત કરવાની દિશામાં આ એક પગલું હશે. જો કે તેનાથી સરકારી ખર્ચમાં વધારો થશે.
છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં કોઈ ફેરફાર નથી, વર્તમાન નાણાકીય વર્ષના ત્રણ ક્વાર્ટર માટે, સરકારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને યથાવત રાખ્યો છે. નિષ્ણાતો કહે છે કે જો વ્યાજ દરમાં વધારો થયો હોત તો તે ઘરેલું બચતને પ્રોત્સાહન આપવાનો સંકેત હોત, જે છેલ્લા કેટલાક સમયથી સુસ્ત છે. જો કે, સરકારે એ પણ જોવાનું છે કે તે ઊંચા વ્યાજની ચૂકવણીનું સંચાલન કરવા માટે કેટલી ક્ષમતા ધરાવે છે.
જાન્યુઆરીમાં બે સ્કીમના દરમાં વધારો કરવામાં આવ્યો હતો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ માટે પણ કેન્દ્ર સરકારે માત્ર બે યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો હતો. આમાં લોકપ્રિય સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર આઠ ટકાથી વધારીને ૮.૨૦ ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD માટે વ્યાજ દર સાત ટકાથી વધારીને ૭.૧૫ ટકા કરવામાં આવ્યા છે.
પીપીએફના દરમાં ચાર વર્ષ સુધી કોઈ ફેરફાર નહીં, છેલ્લા ચાર વર્ષથી પીપીએફના દરમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લો ફેરફાર એપ્રિલ-જૂન ૨૦૨૦માં કરવામાં આવ્યો હતો, જયારે તેને ૭.૯ થી ઘટાડીને ૭.૧ કરવામાં આવ્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન, સરકારે ઘણી બચત યોજનાઓના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો અને તેમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી પીપીએફનો વ્યાજ દર ૭.૧ પર જ રહ્યો છે. દરોમાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા પરંતુ પીપીએફમાં કોઈ ફેરફાર થયો નથી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
