News of Monday, 30th December 2024
અફઘાનિસ્તાનના ઘરોમાં હવે કોઈ બારી કે ઝરુખો જોવા નહીં મળે
તાલિબાનનું તઘલખી ફરમાન : હવે ઘરમાં પણ આઝાદી છીનવી લેતો કાયદો ઘડયો

કાબુલ, તા.૩૦: તાલિબાનોએ મહિલાઓની આઝાદી છીનવી તેમને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા બાદ હવે ઘરમાં પણ આઝાદી છીનવી લેતો કાયદો ઘડયો છે. તાલિબાની શાસને મહિલાઓને ઘરની દિવાલમાં જ કેદ રાખવાની સાથે તેમના માટે ખુલ્લી હવા લેવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. અફઘાનિસ્તાનના ઘરોમાં હવે કોઈ બારી કે ઝરૂખો જોવા મળશે નહીં.
તાલિબાનનું શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકાર ખતમ થઈ રહ્યા છે. તેમના અભ્યાસથી માંડી તેમના કામ કરવા પર, પહેરવેશ સહિત તમામ બાબતો પર પ્રતિબંધો લાદવામાં આવતાં તેઓ હવે ઘરકામ પૂરતી જ સીમિત રહી છે. તાલિબાનના નવા ફરમાન મુજબ, ઈમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી મહિલાઓ હવે ઘરમાંથી બહાર જોઈ પણ શકશે નહીં. આ પ્રતિબંધ લાદવા પાછળનું કારણ જણાવતાં તાલિબાનના વડાએ જણાવ્યું કે, અશ્લીલ કળત્યો ન બને તે હેતુ સાથે અફઘાન મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ક્ષેત્રો અને ઈમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે ખુલ્લી હવા માટે ઝરૂખો પણ રાખવામાં આવશે નહીં. નગરપાલિકાના અધિકારીઓને નવા આદેશનું પાલન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલા નિવેદન અનુસાર, નવી ઈમારતોમાં બારીઓ મૂકવામાં આવશે નહીં. જેથી હવે મહિલાઓ આંગણા, રસોડા, પાડોશી સાથે વાતચીત કરી શકશે નહીં. આનો અર્થ એ થાય છે કે, મહિલાઓ ઘરની બહાર જોઈ શકશે નહીં.
અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ, ૨૦૨૧માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ મહિલાઓની જાહેર સ્થળો પર હાજરી બંધ થઈ છે. યુએન દ્વારા પણ તાલિબાનના આ જાતિ આધારિત ભેદભાવની નિંદા કરવામાં આવી છે. તાલિબાને છોકરીઓને પ્રાથમિક શિક્ષણ બાદ આગળ અભ્યાસ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. મહિલાઓ પર નોકરી-રોજગારી તેમજ પાર્ક જેવા જાહેર સ્થળો પર પણ પ્રતિબંધ લાદ્યો છે. મહિલાઓના અવાજ પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. અમુક સ્થાનિક રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનો પર મહિલાની અવાજમાં પ્રસારણ બંધ કર્યું છે. તે ગીતો પણ ગાઈ શકે નહીં. મોટેથી બોલી પણ શકતી નથી.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
