News of Saturday, 4th January 2025
દિલ્હી પોલીસે અઠંગ ઠગની ધરપકડ કરી : ૭૦૦ છોકરીઓના સંપર્કમાં હતો
અમેરિકન મોડલ તરીકે મહિલાઓને ફસાવતો હતો : તે ફેક પ્રોફાઈલ બનાવીને મહિલાઓ પાસેથી પૈસા પડાવતો

નવી દિલ્હી, તા.૪: દિલ્હી પશ્ચિમ પોલીસની સાયબર ટીમે એક અઠંગ ગુનેગારની ધરપકડ કરી છે જે અમેરિકન મોડલ હોવાનો ઢોંગ કરીને મહિલાઓને ફસાવતો હતો અને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તુષાર બિષ્ટ નામના આરોપીએ વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર અને ફેક આઈડીનો ઉપયોગ કરીને બમ્બલ, સ્નેપચેટ અને અન્ય ચેટિંગ એપ્સ પર નકલી પ્રોફાઇલ બનાવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પોતાને અમેરિકા સ્થિત મોડલ કહીને ૧૮ થી ૩૦ વર્ષની છોકરીઓ સાથે મિત્રતા કરતો હતો અને યુવતીઓનો વિશ્વાસ જીત્યા બાદ તે તેમની પાસેથી ખાનગી ફોટા અને વીડિયો મંગાવતો હતો.પોલીસે કહયું કે જેવી યુવતીઓ તેને તેમની ખાનગી તસવીરો મોકલશે, આરોપી તેમને બ્લેકમેલ કરશે અને પૈસાની માંગ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, જો કોઈ છોકરી પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની અથવા કોઈને વેચવાની ધમકી આપતો હતો. તુષારની ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તુષારે જણાવ્યું કે તેણે બમ્બલ પર ૫૦૦ છોકરીઓ અને સ્નેપચેટ અને વોટ્સએપ પર લગભગ ૨૦૦ છોકરીઓનો સંપર્ક કર્યો હતો. તેના મોબાઈલમાં અનેક મહિલાઓની વાંધાજનક તસવીરો અને વીડિયો મળી આવ્યા હતા.
અહેવાલો અનુસાર, દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૨૪માં તેણે બમ્બલ એપ પર એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. આરોપીએ પોતાનો પરિચય અમેરિકા સ્થિત મોડલ તરીકે આપ્યો હતો અને મિત્રતા બાદ બંને સ્નેપચેટ અને વોટ્સએપ પર વાત કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે આરોપીએ વિદ્યાર્થિની પાસે તેની ખાનગી તસવીરો અને વીડિયો માગ્યા અને બાદમાં વિદ્યાર્થિનીનો વીડિયો મોકલીને તેને બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરી. દબાણ હેઠળ વિદ્યાર્થીએ થોડી રકમ આપી, પરંતુ આરોપીની માંગ વધી ગઈ. હતાશ થઈને વિદ્યાર્થિનીએ તેના પરિવારને આખી વાત કહી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.
આરોપી તુષાર બિષ્ટ દિલ્હીના શકરપુરનો રહેવાસી છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન, ૧૩ ક્રેડિટ કાર્ડ અને અનેક યુવતીઓનો ડેટા મળી આવ્યો હતો. તુષારે BBA કર્યું છે અને નોઈડામાં એક કંપનીમાં કામ કરતો હતો. કેસની તપાસ ચાલુ છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
