<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

જમ્‍મુ-કાશ્‍મીરના કિશ્‍તવાડામાં કાર ખીણમાં ખાબકીઃ ૪ના મોત

જમ્‍મુઃ પહાડી પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે  એક વાહન ખીણમાં ખાબકતાં ચાર લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લાપતા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે જણાવ્યું કે, પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી. 

દુર્ઘટનામાં ચાર મુસાફરો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ગુમ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. મૃતકોની ઓળખ રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.

કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે “હમણાં જ એ જાણીને દુઃખ થયું કે એક કારના ગમખ્વાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના."

(1:56 PM IST)