<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

દેશમાં બેરોજગારીની સમસ્‍યા કેવી રીતે દૂર થશે?

બજેટ માટે નિષ્‍ણાતોએ સરકારને સૂચનો આપ્‍યાઃ સરકારી આંકડા મુજબ દેશમાં બેરોજગારીનો દર ૬.૪% છે. દેશની જીડીપી વૃદ્ધિ ધીમી પડી રહી છે. આવી સ્‍થિતિમાં, દરેકની નજર ૧ ફેબ્રુઆરી પર ટકેલી છે જો ટેક્‍સટાઈલ, ટુરિઝમ, હેલ્‍થકેર અને આઈટી જેવા ક્ષેત્રોને સબસિડી આપવામાં આવે અને એમએસએમઈ માટે પ્રોત્‍સાહનો આપવામાં આવે તો તે નોકરીની તકો વધારવામાં મદદ કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૬: કોલેજમાંથી બહાર આવતા દર બેમાંથી એક યુવક પાસે રોજગારી યોગ્‍ય કૌશલ્‍ય નથી. બેરોજગારી દરનો સત્તાવાર આંકડો ૬.૪% છે. દેશની જીડીપી વૃદ્ધિ ધીમી પડી રહી છે. આવી સ્‍થિતિમાં, નજર ૧ ફેબ્રુઆરી પર ટકેલી છે, જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી નાણાકીય વર્ષ માટે સામાન્‍ય બજેટ રજૂ કરશે. ઈન્‍ડિયન સ્‍ટાફિંગ ફેડરેશનના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર સુચિતા દત્તાએ કહ્યું, જોબની કોઈ કમી નથી. સમસ્‍યા એ છે કે જયાં યુવાનો છે ત્‍યાં તેમના માટે રોજગારીની તકો ઓછી છે તો બીજી તરફ શહેરી અને ઔદ્યોગિક વિસ્‍તારોમાં પૂરતા કુશળ યુવાનો નથી. આ ગેપ ભરવાનો પડકાર છે. પીએમ ઈન્‍ટર્નશિપ સ્‍કીમ જેવી યોજનાઓ મદદ કરી શકે છે.

નાણાકીય સર્વેક્ષણ FY24 માં એવું કહેવામાં આવ્‍યું હતું કે કોલેજમાંથી બહાર આવતા દર બેમાંથી લગભગ એક યુવક પાસે રોજગાર યોગ્‍ય કુશળતા નથી.

સીઆઈઆઈના સૂચનોઃ કોન્‍ફેડરેશન ઓફ ઈન્‍ડિયન ઈન્‍ડસ્‍ટ્રીઝ (CII)ના ડીજી ચંદ્રજીત બેનર્જીએ જણાવ્‍યું કે CII એ કેન્‍દ્રને ૭ સૂચનો આપ્‍યા છે. બેનર્જીએ કહ્યું, એક સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ હોવી જોઈએ, જેમાં વિવિધ મંત્રાલયો અને રાજયોની વર્તમાન યોજનાઓને મર્જ કરવામાં આવે. નેશનલ કેરિયર સર્વિસના રૂપમાં એક જ રોજગાર પોર્ટલ હોવું જોઈએ, જેના પર રોજગારની તકો અને કૌશલ્‍યની માંગ સહિતની તમામ માહિતી દરેક જગ્‍યાએથી ઉપલબ્‍ધ હોવી જોઈએ.

તાજેતરમાં શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ૨૦૦૪થી ૨૦૧૪ના UPA કાર્યકાળ દરમિયાન ૨.૧૯ કરોડ નોકરીઓનું સર્જન થયું હતું, પરંતુ માત્ર ૨૦૨૩-૨૪માં જ ૪.૬ કરોડ નોકરીઓનું સર્જન થયું હતું. જયારે યુપીએ શાસન દરમિયાન રોજગાર વૃદ્ધિ માત્ર ૭% હતી, ૨૦૧૪ અને ૨૦૨૪ ની વચ્‍ચે ૩૬% નો વધારો નોંધવામાં આવ્‍યો હતો. જોકે, PLFS ડેટા અનુસાર, જુલાઈ-સપ્‍ટેમ્‍બર દરમિયાન શહેરી વિસ્‍તારોમાં બેરોજગારીનો દર ૬.૪% હતો. CMIE અનુસાર, બેરોજગારી દર ઓક્‍ટોબરમાં ૮.૭% અને નવેમ્‍બરમાં ૮% હતો. વાર્ષિક સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર, ૨૦૨૩-૨૪માં બેરોજગારીનો દર ૩.૨% હતો. ૨૦૨૨-૨૩માં પણ આવું જ હતું. આ સૂચવે છે કે ઔપચારિક ક્ષેત્રમાં તકો વધી રહી નથી.

રોજગારી કેવી રીતે વધશે? PHDCCIના પ્રમુખ હેમંત જૈને જણાવ્‍યું હતું કે, શૈક્ષિણિક સંસ્‍થાઓના અભ્‍યાસક્રમને પ્રેક્‍ટિકલ ક્ષેત્રની તાલીમ સાથે જોડવાની જરૂર છે. સરકારે રાષ્ટ્રીય અને રાજય સ્‍તરે ખાલી પડેલી સરકારી જગ્‍યાઓ ભરવી જોઈએ. જો ટેક્‍સટાઈલ, ટુરિઝમ, હેલ્‍થકેર અને આઈટી જેવા ક્ષેત્રોને સબસિડી આપવામાં આવે અને એમએસએમઈ માટે પ્રોત્‍સાહનો આપવામાં આવે તો તે નોકરીની તકો વધારવામાં મદદ કરી શકે છે.

CIIના બેનર્જીએ કહ્યું, ગ્રામીણ વિસ્‍તારોમાં સરકારી વિભાગોમાં ઇન્‍ટર્નશિપ સ્‍કીમ ચલાવવાથી પણ ફાયદો થશે. છેલ્લા બજેટમાં એમ્‍પ્‍લોયમેન્‍ટ લિંક્‍ડ ઇન્‍સેન્‍ટિવ (ELI) સ્‍કીમ સહિત ઘણા પગલાં લેવામાં આવ્‍યા હતા. આગામી બજેટમાં વધુ પગલાંની જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે, બજેટમાં જાહેર કરાયેલી ૩ ELI યોજનાઓ હજુ શરૂ થઈ નથી. શ્રમ મંત્રાલય આ માટે કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે

(12:01 PM IST)