<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

દુબઈમાં રેસ્ટોરન્ટમાં માસ્ક પહેરેલી મહિલાની મજાક ઉડાવવી ભારે પડી : હવે પોલીસ કરશે કાર્યવાહી

રેસ્ટોરન્ટમાં શૂટ કરાયેલ 13 સેકન્ડના વીડિયોમાં એક મહિલા નકાબ પહેરીને ભોજન કરતી હોય છે ત્યારે જ અન્ય મહિલાઓ તેની મજાક ઉડવતી જોવા મળી:લોકોએ આ મહિલાઓ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પર એક વીડિયોને લઈને ચર્ચા ચાલી રહી છે અને શું કોઈના કપડાં કે સંસ્કૃતિને કારણે જાહેરમાં તેની મજાક ઉડાવી શકાય? શું તેના કપડાંની પસંદગીના આધારે તેને ઓછો આંકી શકાય? આવા જ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. મામલો એક વાયરલ વીડિયોનો છે, જ્યાં એક મહિલા નકાબ પહેરીને ભોજન કરી રહી છે, જ્યારે તેને ખબર નથી કે અન્ય મહિલા તેનો વીડિયો બનાવીને તેની મજાક ઉડાવી રહી છે.

 દુબઈની એક રેસ્ટોરન્ટમાં શૂટ કરવામાં આવેલા 13 સેકન્ડના વીડિયોમાં એક મહિલા નકાબ પહેરીને ભોજન કરતી જોવા મળે છે. કેમેરાની પાછળથી હાસ્ય સંભળાય છે, જેના કારણે શંકા છે કે મહિલાની મજાક ઉડાવવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ દુબઈ પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. આને સંસ્કૃતિ અને મહિલાઓની ગરિમાનું અપમાન કહેવામાં આવી રહ્યું છે.

વાયરલ વીડિયોના જવાબમાં દુબઈ પોલીસે તેના પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે, દુબઈ પોલીસે કહ્યું કે આ મામલો સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યો છે અને તેના વિશે માહિતી આપવા બદલ લોકોનો આભાર માન્યો છે.

આ વીડિયોને લઈને લોકો દુબઈના કડક ગોપનીયતા કાયદા અને સ્થાનિક સંસ્કૃતિના આદર અંગે ચર્ચા કરી રહ્યા છે. પરવાનગી વગર કોઈનો વીડિયો બનાવવો દુબઈમાં કાયદેસર ગુનો છે. આ ઘટનાએ સ્થાનિક સંસ્કૃતિ અને કાયદા પ્રત્યે પ્રવાસીઓની જવાબદારી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

 દુબઈ પોલીસની કાર્યવાહીની જાહેરાત છતાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. લોકોનું કહેવું છે કે નકાબ પહેરવાના કારણે જાહેરમાં મહિલાની મજાક ઉડાવવામાં આવી હતી. કેટલાક વપરાશકર્તાઓએ દુબઈ વહીવટીતંત્રની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી, તેને સંસ્કૃતિનો અનાદર ગણાવ્યો છે

(7:14 PM IST)