ડેટ સર્ટિફિકેટ મળ્યા બાદ જ મતદાર યાદીમાંથી નામ કમી થાય છે :કેજરીવાલના આરોપ પર ECનો જવાબ
તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાંથી નામ કાઢવાની અને સામેલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી છે. અમે તમામ રાજકીય પક્ષોને BLOની નિમણૂક કરવાનો પણ અધિકાર આપ્યો છે

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે, સાથે પંચે મતદારોના નામ કાપવાના તેમજ ઈવીએમમાં ગડબડીના આરોપનો જવાબ આપી દીધો છે. અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેઓએ નવી દિલ્હી વિધાનસભા બેઠક સહિત અનેક બેઠકો પર મતદારોના નામ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને તે લોકો અને વિસ્તારોના લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે, જેઓ AAPના સમર્થનમાં છે. પાર્ટીએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી અને હવે ચૂંટણી પંચના કમિશ્નર રાજીવ કુમારે તેનો જવાબ આપી દીધો છે.
ECના કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે પંચે આમ આદમી પાર્ટીના આક્ષેપોનો પણ તબક્કાવાર રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાંથી કોઈનું પણ નામ મનમાની રીતે કાઢી શકાતું નથી. આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં 30 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને 15 રાજ્યોમાં વિવિધ પક્ષો સત્તામાં આવ્યા છે. તેના પરથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી રીતે થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.’
તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાંથી નામ કાઢવાની અને સામેલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી છે. એટલું જ નહીં અમે તમામ રાજકીય પક્ષોને BLOની નિમણૂક કરવાનો પણ અધિકાર આપ્યો છે. દર વર્ષે ઑક્ટોબરમાં ડ્રાફ્ટ રોલ તૈયાર કરવામાં આવે છે અને યાદીમાં નવા લોકોને જોડવામાં આવે છે. અમે જે લોકો શિફ્ટ થઈ ગયા હોય અથવા મૃત્યુ થયું હોય, તેવા મતદારોના નામ યાદીમાંથી કાઢીએ છીએ.
તેમણે કહ્યું કે, ‘તમામ રાજકીય પક્ષોને યાદીની બે કોપી આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ મુદ્દે વ્યક્તિગત સુનાવણી થાય છે. જો કોઈ મતદારનું નામ કાઢી નાખવા માટે અરજી આવે છે, તો અમે તેમના પરિવારજનો અથવા તેમનો સંપર્ક કરીએ છીએ. મૃત્યુ બાબતમાં ડેટ સર્ટિફિકેટ મળ્યા બાદ જ મતદાર યાદીમાંથી નામ કાઢવામાં આવે છે.
ચૂંટણી પંચના કમિશ્નરે EVM પર થતાં આક્ષેપોનો પણ જવાબ આપ્યો છે. તેમણે EVMમાં ગડબડીનો ભ્રમ દૂર કરતાં કહ્યું કે, ‘મતદાન મથકથી સ્ટ્રોંગ રૂમ સુધી EVM લઈ જવાની પ્રક્રિયામાં રાજકીય પક્ષોના એજન્ટોને સામેલ કરવામાં આવે છે. તેમને મતોની પણ માહિતી આપવામાં આવે છે કે, કયા મશીનમાં કેટલા મત પડ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
