<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

હાઇવે પર ઓવર સ્પીડિંગ કરી રહ્યા છો તો પણ હવે ચલણની ચિંતા કરવાની જરૂર નથી : સ્માર્ટ ફોન વાપરો છો તો મોબાઇલમાં રહેલી એક એપ જ કહી આપશે કે આગળ ક્યાં અને કઈ જગ્યાએ કેમેરા લાગેલા છે

આ સિસ્ટમ ઓગસ્ટ 2024માં બેંગલુરુ-મૈસુર હાઇવે પર લાગુ કરવામાં આવી હતી, ટૂંક સમયમાં જ દેશના બાકીના હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે,તેથી હવે તમે પણ નિયત કરેલી સ્પીડમાં જ સાધન ચલાવજો

નવી દિલ્હી તા.૯ : તમે પુરપાટ વેગે વાહન ચલાવી રહ્યા છો અને અચાનક તમને સામે કેમેરા દેખાય છે અને તમે બ્રેક મારીને ગાડીની સ્પીડ ઘટાડી દો છો અને એમ વિચારો છો કે હવે તમારે ઓવર સ્પીડ માટે ચલણ નહીં ભરવું પડે તો તમે ખોટા છો. અત્યારનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે તો કેમેરા પણ બુદ્ધિશાળી થઈ ગયા છે. હવે તમે ઓવર સ્પીડિંગ કરશો તો ચલણ આવી જ જશે. 

મોબાઈલ એપ દ્વારા સ્પીડ કંટ્રોલ 

જો કે હવે તો મોબાઇલમાં એવી એપ પણ હોય છે કે જે આગળ કઈ જગ્યાએ કેમેરા લાગેલા છે તે પહેલાથી જાણ કરી દે છે આ એપની મદદથી કે પછી તમને સામે કેમેરા દેખાય અને તમે અચાનક સ્પીડ ઓછી કરી દો છો એમ વિચારીને કે હવે ચલણ નહીં કપાય અને છતાં તમારા ફોનમાં વધુ સ્પીડનું ચલણ આવી જાય છે તો તમે પણ માથું ખંજવાળશો કે આવું કેવી રીતે થયું. 

AI બેઝ્ડ કેમેરા 

હવે એ તો તમને ખબર જ હશે કે નેશનલ હાઇવે હોય કે સ્ટેટ હાઇવે કે પછી એક્સપ્રેસ વે આ દરેક હાઇવે પર સ્પીડ લિમિટ શહેરની અંદર હોય તેના કરતાં વધારે હોય છે અને આ દરેક રૂટ પર વાહનની એક સ્પીડ લિમિટ બાંધેલી હોય છે કે નક્કી કરેલી હોય છે. આ સ્પીડ કાર માટે અલગ હોય છે અને ટ્રક માટે અલગ, ટુ-વ્હીલર માટે પણ અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે આ લિમિટ ક્રોસ કરશો તો કેમેરામાં કેદ થઈ જશો. સ્પીડ કેમેરાવાળા વાહનો પણ વિવિધ સ્થળોએ પાર્ક કરવામાં આવે છે, જે વધુ પડતી સ્પીડના કેસમાં સ્થળ પર જ ચલણ આપી દે છે. જો કે આ બધી તો જૂની સિસ્ટમ છે અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે.

રસ્તો કાપવામાં લગતી વાર આધારિત ચલણ 

તો હવે તમે કેમેરાની કેદમાં નથી આવતા તો પણ તમને ચલણ મળશે. આ ચલણનો આધાર રહેશે તમને લાગેલા સમય પર એટલે કે તમને તે રસ્તો ક્રોસ કરવામાં કેટલો સમય લાગ્યો છે તેના આધાર પર. ઉદાહરણ તરીકે તમે એક પોઈન્ટથી એક્સપ્રેસ વે પર એન્ટર કરો છો અને અને બીજા ટોલ પર એક્ઝિટ કરો છો હવે આ બે ટોલ બુથ વચ્ચેનું અંતર ધારોકે 100 કિમી છે અને સ્પીડ લિમિટ 100 કિમી/કલાક હવે જો આ બે ટોલ ક્રોસ કરતાં તમને 1 કલાકનો સમય લાગે છે તો તમારી સ્પીડ બરાબર છે પણ જો તમે આ બે ટોલ 50 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં ક્રોસ કરો છો તો તમને ભારે દંડ થઈ શકે છે. 

2024થી બેંગલુરુ-મૈસુર હાઇવે પર કાર્યરત 

આ સિસ્ટમ ઓગસ્ટ 2024માં બેંગલુરુ-મૈસુર હાઇવે પર લાગુ કરવામાં આવી હતી. ભારે વાહન ચાલકો આ 119 કિમી લાંબા હાઇવેને એક કલાક કરતા પણ ઓછા સમયમાં પાર કરી રહ્યા હતા. જ્યારે ગતિ મર્યાદા ફક્ત 100 કિમી/કલાક છે. વધુ પડતી ઝડપ માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ દ્વારા ચલણ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જો વાહનની ગતિ 130 કિમી/કલાકથી વધુ હોય તો ચલણ સાથે એફઆઈઆરની જોગવાઈ પણ છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં જ દેશના બાકીના હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે. તેથી હવે તમે પણ નિયત કરેલી સ્પીડમાં જ સાધન ચલાવજો જેથી તમારું ખિસ્સું અને જીવન બંને સુરક્ષિત રહે.

(3:35 PM IST)