<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

૨૫ દિવસ બાદ સોનું ફરી ૮૦૦૦૦ ક્રોસ, ચાંદી ત્રણ દિવસથી સ્થિર

લગ્નસરાની સિઝનથી ઘરાકી વધીઃવૈશ્વિક પડકારો અને ફુગાવાના કારણે કિંમતી ધાતુમાં ફરી પાછી તેજી જોવા મળી છે જેની અસર સ્થાનિક બજારો પર પણ થઈ છે

નવી દિલ્હી, તા.૯

કમોરતા પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ કમોરતા બાદ ફરી પાછા શુભકાર્યોની શરૃઆત સાથે કિંમતી ધાતુ બજારમાં ચહલપહલ જોવા મળી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુમાં સ્થિરતા રહ્યા બાદ હવે ફરી પાછી મુવમેન્ટ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ૨૫ દિવસ બાદ વધી ફરી રૃ. ૮૦૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચ્યો છે. જો કે, ચાંદીની કિંમત છેલ્લા ત્રણ દિવસથી સતત સ્થિર રહી છે.

સોના-ચાંદીના ભાવમાં મુવમેન્ટ પાછળનું એક કારણ કમોરતા બાદ શરૃ થઈ રહેલી લગ્ન સિઝન છે. વધુમાં વૈશ્વિક પડકારો અને ફુગાવાના કારણે કિંમતી ધાતુમાં ફરી પાછી તેજી જોવા મળી છે. જેની અસર સ્થાનિક બજારો પર પણ થઈ છે.

અમદાવાદમાં આજે સોનાની કિંમત રૃ. ૨૦૦ વધી રૃ. ૮૦૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઈ છે. જ્યારે ચાંદી રૃ. ૯૦૫૦૦ પ્રતિ કિગ્રાના સ્તરે છેલ્લા ત્રણ દિવસથી ક્વોટ થઈ રહી છે. સોમવારે ચાંદીનો ભાવ રૃ. ૮૯૦૦૦ પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. જે મંગળવારે રૃ. ૧૫૦૦ વધ્યા બાદ સ્થિર રહ્યો છે.

એમસીએક્સમાં સોના કરતાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી (૫ માર્ચ,૨૦૨૫) વાયદો રૃ. ૭૮૬ વધી રૃ. ૯૧૭૨૪ પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યો હતો. જ્યારે સોનાનો ૫ ફેબ્રુઆરી વાયદો રૃ. ૩૮૦ વધી રૃ. ૭૮૧૨૭ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે સોનું ૧૬ ડોલર વધી ૨૬૮૮ ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી ૦.૩૪ ડોલર ઉછળી ૩૧.૦૨ ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી છે.

સોના-ચાંદીની કિંમત પર જિઓ-પોલિટિકલ ઈવેન્ટ્સની અસર વધુ રહે છે.

અમેરિકા અને યુરોપમાં મોંઘવારી રહેવાની શક્યતા સાથે વ્યાજદરોમાં હાલ કોઈ ઘટાડો નહીં થાય. જેથી સોનાની માગ ઘટી શકે છે. જો રશિયા-યુક્રેન, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસે તો સોનામાં રોકાણ વધશે. ૧૪ જાન્યુઆરી બાદ ફરી પાછી લગ્ન સિઝન શરૃ થવા જઈ રહી છે. જેના લીધે સોના-ચાંદી બજારમાં ઘરાકી જોવા મળી શકે છે. જે કિંમતમાં વધારો કરશે. તદુપરાંત અમેરિકાના ડોલર સામે રૃપિયો સતત તળિયા ઝાટક થઈ રહ્યો છે.

ડોલર સામે રૃપિયો નબળો પડતાં સોનાની કિંમતો વધશે. કારણકે, ભારતમાં સોનાની મોટાપાયે આયાત થાય છે.

(10:21 PM IST)